Site icon Revoi.in

સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રથમ સત્ર પૂર્ણ થયું છતાંયે સરકારે હજુ નિભાવ ગ્રાન્ટ આપી નથી

Social Share

અમદાવાદઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓને  નિભાવ ગ્રાન્ટ આપવામાં આવે છે. જોકે શૈક્ષણિક વર્ષનું પ્રથમ સત્ર પૂર્ણ થવા આવ્યું તેમ છતાં જરૂરી ગ્રાન્ટ આપવામાં આવી નથી. જેને પરિણામે શાળાઓ ઈતર પ્રવૃતી કરાવી શકતી નથી. શાળાઓને ભૌત્તિક સુવિધા, અન્ય કાર્યક્રમોની ઉજવણી કે ટ્રાન્સપોર્ટેશન સહિતની ગ્રાન્ટ ન આપતા કામગીરી અટકી ગઈ છે. સરકારી પ્રાથમિક શાળાઓને વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે નિભાવ માટે વિવિધ પ્રકારની ગ્રાન્ટ અપાય છે. જોકે ચાલુ શૈક્ષણિક વર્ષે પ્રથમ સત્ર પૂર્ણ થવા આવ્યું તેમ છતાં હજુ સુધી નિયત કરેલી ગ્રાન્ટ આપવામાં આવી નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા શાળાઓને વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને નિભાવ ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે.પરંતુ ગ્રાન્ટ ન મળતા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કાર્યક્રમોનો ખર્ચ કેવી રીતે કરવો તેવા પ્રશ્નો શિક્ષકો અને શાળાના આચાર્યોમાં ઉઠવા પામ્યા છે. જોકે શાળાઓમાં ભૌત્તિક સુવિધા, અન્ય કાર્યક્રમોની ઉજવણી કે ટ્રાન્સપોર્ટેશન સહિતની ગ્રાન્ટ અપાઈ નથી. જેને પરિણામે ટ્રાન્સપોર્ટેશન યોજનાના વાહન માલિકો દ્વારા નાણાંની માંગણી આચાર્યો પાસે કરવામાં આવે છે. હજુ સુધી શાળાઓને જરૂરી કોઇ જ પ્રકારની ગ્રાન્ટ ન અપાતા શાળાઓમાં કરાતા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કાર્યક્રમોનો ખર્ચ કેવી રીતે કરવો તેની ચર્ચા શિક્ષકોમાં જોવા મળી રહી છે.

​​​​શિક્ષકોના કહેવા મુજબ સરકારી પ્રાથમિક શાળાઓને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવતી શાળા વ્યવસ્થાપન ગ્રાન્ટનો પ્રથમ અને બીજો હપ્તો આપવામાં આવ્યો નથી. ગ્રાન્ટમાંથી શાળામાં નાનું મોટું રિપેરિંગ, શિક્ષણને ધ્યાનમાં રાખીને કોઇ વસ્તુની ખરીદી, શાળાની સાફ સફાઇના સાધનો સહિતના કાર્યો ગ્રાન્ટમાંથી કરવામાં આવતા હોય છે.