Site icon Revoi.in

ગાંધીનગરના સરકારી આવાસો જર્જરિત છતાંયે કર્મચારીઓ ખાલી કરતા નથી, હવે પગલાં લેવાશે

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં અનેક સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ આવેલી છે. અને સરકારી કર્મચારીઓને રહેવા માટે સરકારી ક્વાટર્સ ફાળવવામાં આવેલા છે. ઘણાબધા ક્વાટર્સ વર્ષો પહેલા બનેલા હોવાથી જર્જરિત થયેલા છે. અને કોઈ દૂર્ઘટના ન બને તે માટે જર્જરિત ક્વાર્ટર્સ ખાલી કરવા માટે કર્મચારીઓને અવાર-નાવર અનેક નોટિસો ફાટવવામાં આવી હોવા છતાંયે કર્મચારીઓ ક્વાર્ટ્સ ખાલી કરતા નથી. આથી પાટનગર યોજના તંત્ર માટે આવા ક્વાટર્સ ખાલી કરાવવા મુશ્કેલ થઇ ચૂક્યા છે. પરિણામે હવે કડક પગલાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે ભયજનક જાહેર કરાયેલા તમામ આવાસના વીજળી, પાણી અને ગટરના જોડાણ કારી નાંખવામાં આવશે. જેથી આવા પરિવારોને તાત્કાલિક મકાન ખાલી કરવાની ફરજ પડશે.

પાટનગર યોજના વિભાગના સૂત્રોના કહેવા મુજબ ગાંધીનગરમાં મોટાભાગના સરકારી આવાસો સાડાચાર પાંચ દાયકા જૂના હોવાથી હવે તબક્કાવાર જર્જરીત બની ચૂક્યા છે. આવા આવાસોનું સમયાંતરે સર્વે કરીને તેને ભયજનક જાહેર કરવામાં આવ્યા છે. જેમાં લગભગ 5 હજારથી પણ વધારે આવાસ ભયજનક જાહેર કરવામાં આવ્યા છે. આવા ભયજનક આવાસ તોડીને તે જગ્યાએ નવા ટાવર ટાઇપ ક્વાર્ટર બનાવવાનું આયોજન કરાયું છે પરંતુ અનેક સેક્ટરોમાં ભયજનક આવાસ જાહેર કરવામાં આવ્યા બાદ કર્મચારી પરિવારો તેને છોડીને જવા તૈયાર નહીં હોવાથી તંત્રની મુશ્કેલીમાં વધારો થયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના સેક્ટર-28 અને 29માં જૂના આવાસ તોડીને નવા આવાસ બનાવવાની યોજનાને મંજૂરી મળી ગઇ છે અને તાત્કાલિક કામ શરૂ કરવાનું છે પરંતુ મુશ્કેલી એ છે કે અનેક આવાસ હજુ સુધી ખાલી થયા નથી. આખો બ્લોક ખાલી હોય પરંતુ એક મકાનમાં પરિવાર રહેતો હોય તેવી સ્થિતિમાં જૂના આવાસો તોડી શકાતા નથી. અન્ય સેક્ટરોમાં પણ આ પ્રકારની સ્થિતિ છે. ભયજનક આવાસમાં રહેતા વસાહતીઓને અન્ય જગ્યાએ ફાળવણીમાં અગ્રતા આપવાનો નિર્ણય લેવાયા બાદ પણ આવા આવાસ ખાલી કરી શકાયા નથી. પાટનગર યોજના વિભાગ દ્વારા આવાસ તાત્કાલિક ખાલી કરવા અનેક નોટીસ આપવામાં આવી છે પરંતુ કર્મચારી પરિવાર દ્વારા તેની પણ અવગણના કરવામાં આવી છે. આથી હવે આવા આવાસ ખાલી કરાવવા માટે છેવટના પગલાંના ભાગરૂપે વીજળી, પાણી અને ગટરના જોડાણ કાપી નાંખવાનું નક્કી કરવામાં આવ્યું છે. વીજળી- પાણીના જોડાણ કાપી નાંખવાના કિસ્સામાં પરિવારો લાંબો સમય સુધી તે મકાનમાં વસવાટ કરી શકશે નહીં પરિણામે મકાન ખાલી કરાવવામાં તંત્રને સફળતા મળશે.