રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા સહિત પડતર પ્રશ્નોની રજુઆતો છતાં સરકાર નિષ્ક્રિય
અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ સહિત અનેક પ્રશ્નો અંગે સરકારને સંચાલક મંડળ દ્વારા વારંવાર રજુઆતો કરવા છતાં પ્રશ્નો ઉકેલાતા નથી, ત્યારે ફરીવાર રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ અધિક સચિવને પત્ર લખીને ગ્રાન્ટેડ સ્કૂલોમાં સ્ટાફ, વિદ્યાર્થીઓ પરીક્ષા સહિતના અનેક મહત્વના પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત છતાં શિક્ષણ સચિવ દ્વારા એક પણ રજૂઆતનો ઉત્તર આપવામાં આવ્યો નથી એટલે કે રજૂઆતને ધ્યાને લેવામાં આવી નથી.જેથી 10 દિવસમાં જૂની તમામ રજૂઆતોને ધ્યાને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.
રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે પત્ર લખીને જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયમાં તેમના મંડળ દ્વારા 15થી વધુ રજૂઆત કરવામાં આવી છે. જેમાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની ભરતી,બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી,આચાર્યની ભરતી,સ્કૂલોના વર્ગ માટેની મંજૂરી,ધોરણ 10 અને 12માં રીપિટરને એક્સટર્નલ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર ફાળવવા બાબત,ગ્રાન્ટ અંગેની ફરિયાદ સહિતના મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી હતી.આ તમામ મુદ્દે શિક્ષણમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે. શિક્ષણમંત્રી દ્વારા આ રજૂઆત શિક્ષણ અધિક સચિવ વિનોદ રાવને મોકલવામાં આવી છે, પરંતુ તેમની કચેરી દ્વારા આ રજૂઆતના સંદર્ભમાં એક પણ રજૂઆતનો જવાબ આપવામાં આવ્યો નથી. જેથી આ રજૂઆત ધ્યાને આવી ના હોય તેવું લાગી રહ્યું છે. આ તમામ રજૂઆતોને ધ્યાને લઇને 10 દિવસમાં રજૂઆત સંદર્ભે કોઈ ઉત્તર આપવામાં આવે તેવી શાળા સંચાલક મંડળે માંગ કરી છે. ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ સહિત અનેક પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.