દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ખાલીસ્તાની સંગઠનોના ઝંડા દેખાતા કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. તેમજ ખાલીસ્તાની સંગઠનોની પ્રવૃતિને ડામી દેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ ટીમ બનાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી, એન્ફોર્સમેન્ટ વિભાગ, સીબીઆઈ, વિદેશી ભંડોળ અંગે માહિતી મેળવતી એજન્સી તથા આવકવેરા વિભાગના અધિકારીઓની ટીમ બનાવી ખાલીસ્તાનની સંગઠનોના નેટવર્કના સ્ત્રોતોની તપાસ કરી તેને ડામી દેવા નિર્ણય લીધો છે. તેમજ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને જર્મની સહિતના દેશોની પણ તપાસમાં મદદ લેવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહના અધ્યક્ષપદ હેઠળ એક કમીટીની બેઠક મળી હતી. જેમાં આ નિર્ણય લેવાયો હતો. પંજાબમાં આ અંગે ખાસ ઓપરેશન ચલાવાશે.