ગાંધીનગરઃ કેન્દ્રિય સંચાર મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જે અંતર્ગત પીનકોડની સુવર્ણ જયંતી નિમિત્તે ટપાલ વિભાગ દ્વારા અપાતી સેવાઓ વધુને વધુ લોકભોગ્ય બને એ માટે કેન્દ્ર સરકાર સતત પ્રયાસો કરી રહી છે. પોસ્ટ વિભાગ દ્વારા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને મોબાઈલ બેન્કિંગ પ્લેટફોર્મ પણ શરૂ કરાયું છે જે આવનાર સમયમાં મહત્વનું કદમ સાબિત થશે.
ગાંધીનગર ખાતે ભારતીય ટપાલ વિભાગ દ્વારા સ્મારક પોસ્ટલ સ્ટેમ્પનું વિમોચન કરતા મંત્રી ચૌહાણે કહ્યું હતું કે, આજે પોસ્ટલ વિભાગ દ્વારા પંચામૃત કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. દેશ જ્યારે 75 વર્ષનો આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે પોસ્ટલ વિભાગ દ્વારા શરૂ કરાયેલ પીનકોડની વ્યવસ્થાને પણ 50 વર્ષ પૂર્ણ થયા છે તેના સ્મરણમાં એક ડાક ટિકિટ જાહેર કરીને 50 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ.
તેમણે ઉમેર્યું હતું કે, રેલવે વિભાગ પછી પોસ્ટલ વિભાગ એવો એક વિભાગ છે કે જેમાં અંદાજે ચાર લાખ કર્મચારીઓ કામ કરે છે. જેમાં બે લાખ 80 હજારથી વધારે આપણા ગ્રામીણ ડાક સેવક છે. આજે સમગ્ર દેશમાં સૌથી વિશ્વાસનીય વિભાગ હોય તો એ પોસ્ટલ વિભાગ છે. કોવિડ મહામારી જેવા કપરા સમયમાં જ્યારે સમગ્ર વિશ્વમાં અને ભારતમાં પણ લોકડાઉન હતું ત્યારે ગુજરાતમાં બિહાર, ઓરિસ્સાથી આવેલા શ્રમિકોએ પોસ્ટલ સર્વિસ દ્વારા પોતાના સ્નેહીજનોને હેન્ડ હોલ્ડિંગ, થમ્બ ઇમ્પ્રેશન મશીન દ્વારા નાણાં પહોચાડ્યા છે જેનો વિભાગને ગર્વ છે.
તેમણે કહ્યું હતું કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટલ વિભાગ પાસેથી ઘણી આશા અને અપેક્ષા રાખી છે. છેવાડાના માનવી સુધી પહોંચવાની ક્ષમતા પોસ્ટલ વિભાગમાં છે તેવો વડાપ્રધાનને ભરોસો છે અને પોસ્ટલ સુવિધાઓ ગામડાઓ સુધી પહોંચાડવા માટે માંગ્યા કરતાં વધું બજેટ ફાળવવામાં આવ્યું હતું. ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’, ‘મારી દીકરી સમૃદ્ધ દીકરી’ અભિયાન સમયે એક પ્રવાસ દરમિયાન દાદરા નગર હવેલીથી શરૂ કર્યું હતું જેમાં એક જ દિવસમાં પોસ્ટલ વિભાગે 38,000 દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરવાનું પ્રારંભ કર્યું હતું. જેની સફળતાના ભાગરૂપે એક નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ‘મારો પરિવાર સમૃદ્ધ પરિવાર’ જેના માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે.
કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે પિનકોડની સુવર્ણ જયંતિ નિમિત્તે શ્રીરામ ભીખાજી વાલેંકરને યાદ કરતા જણાવ્યું હતું કે, 15 ઑગસ્ટ, 1972માં પોસ્ટલ વિભાગના અધિક સચિવ શ્રીરામ ભીખાજી વાલેંકરે આજથી 50 વર્ષ પહેલાં દરેક ગામ સુધી નિશ્ચિત જગ્યાએ પત્ર પહોંચે તે હેતુથી પત્રમાં પીનકોડ આપવાની શરૂઆત કરી હતી. જે માટે સમગ્ર દેશને નવ જુદાં જુદાં ઝોનમાં વહેચવામાં આવ્યા હતા જેમાં પ્રત્યેક અંક રાજ્યનું સરનામું દર્શાવે છે. તેમના સ્મરણમાં નવી ડાક ટિકિટ જાહેર કરવામાં આવી હતી.
મંત્રીના હસ્તે, આ પ્રસંગે ડાક ટિકિટ સહીત વાવ સબ પોસ્ટ ઓફીસ બનાસકાંઠા ડિવિઝન, સમી સબ પોસ્ટ ઓફીસ, પાટણ ડિવિઝન અને નવરંગપુરા, અમદાવાદ હેડ પોસ્ટ ઓફીસ ખાતે પાર્સલ પેકેજીંગ યુનિટ જેમાં પાર્સલ બુકીંગ માટે આવતા ગ્રાહકોને પેકેજીંગ સુવિધા યુનિટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ માપના બોક્સ, પેકેજીંગ માટેની વસ્તુઓ, ફીલર્સ અને BOPP ટેપ જેવી વસ્તુઓ આ પાર્સલ પેકેજીંગ યુનિટમાં ખૂબ જ વાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેનાથી ગ્રાહકોને પાર્સલ મોકલવામાં સુવિધા મળી રહેશે.
મંત્રી એ ઉમેર્યું હતું કે, પોસ્ટ વિભાગે એક ઈન્ટરનેટ અને મોબાઈલ બેન્કિંગ પ્લેટફોર્મ પણ શરૂ કર્યું છે જેના દ્વારા ખાતાધારકોને તેમના ખાતામાં બેલેન્સ અને ખાતાનું સ્ટેટમેન્ટ મેળવી શકે છે તેમજ બેલેન્સ ઇન્ક્વાયરી અને મિની સ્ટેટમેન્ટ પણ ઇન્ટરેક્ટિવ વૉઇસ રિસ્પોન્સ દ્વારા ડાઉનલોડ કરી શકાય છે. જેના માટે ભારતીય ટપાલ વિભાગ POSB યોજનાઓના ખાતાધારકો માટે ઈ પાસબુક- સુવિધા શરૂ કરી રહ્યું છે. જે અંતર્ગત બેલેન્સ ઇન્કવાયરી સહિત મિની સ્ટેટમેન્ટ મેળવી શકાશે.