ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં સહભાગી થતા ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં શહેરો જેવી જ ઉત્તમ માળખાકીય સુવિધાઓ પૂરી પાડીને ગ્રામ્ય જીવનને ઉન્ન્ત બનાવવા માટે અમારી સરકાર એક સંકલ્પ સાથે સતત પ્રયત્નશીલ છે.
તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગ્રામ વિકાસની જે સંકલ્પના કરી હતી, તે સંકલ્પનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળની રાજ્ય સરકાર પ્રતિબદ્ધતા સાથે ચરિતાર્થ કરી રહી છે. પરિણામે આજે ગુજરાતના વિકાસ કાર્યોની સુવાસ સમગ્ર દેશમાં પ્રસરી રહી છે.
મંત્રી હળપતિએ કહ્યું કે, રાજ્ય સરકારે ગામડામાં વસતા નાગરિકોને રહેવા માટે પાકા ઘર, સ્વચ્છતા, વૈકલ્પિક ઊર્જા, સ્વચ્છ વાતાવરણ, પ્રાથમિક આરોગ્ય લક્ષી સુવિધા અને યુવાનોને કૌશલ્ય વર્ધક તાલીમ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડીને ગામડાઓને આત્મનિર્ભર બનાવવા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓના સુદ્રઢ અમલીકરણ માટે આ વર્ષના બજેટમાં માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે.
મંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઘર વિહોણા પરિવારોને પોતાનું પાકુ ઘરનું ઘર પ્રદાન કરવામાં સહાયરૂપ થવા પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અમલમાં છે. આ યોજના અંતર્ગત વર્ષ 2016-17થી 2022-23 સુધીમાં 6 લાખથી વધુ આવાસોની મંજૂરી આપવામાં આવી છે અને આશરે 5 લાખથી વધુ આવાસોના બાંધકામ પૂર્ણ થયા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના હેઠળ વર્ષ 2023-24 દરમિયાન 35 હજારથી વધુ લાભાર્થીઓને લાભાર્થી દીઠ રૂપિયા 20 હજાર એમ કુલ 72 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનની પ્રેરણાથી શરુ થયેલા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન અંતર્ગત જંગલોમાં વસતા આદિમજૂથોને આવાસની સુવિધા પૂરી પાડવા વર્ષ 2024-25 માટે બજેટમાં રૂ. 164 કરોડની જોગવાઇ કરાઈ છે.
તેમણે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંગે વાત કરતા કહ્યું કે, ગત બે વર્ષમાં રાજ્ય સરકારે શૌચાલય વિહોણા 68,463 કુટુંબોને પાકા શૌચાલયની સુવિધાથી આવરી લેવાયા છે. સાથે સાથે પ્રવાહી કચરાના નિકાલ અને તેના વ્યવસ્થાપન માટે 4.94 લાખ વ્યક્તિગત સોકપીટ અને 64 હજાર સામુહિક સોકપીટનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ઘન કચરાના નિકાલ માટે 15 હજારથી વધુ ગામોમાં કચરાનું ડોર-ટુ-ડોર કલેકશન પણ કરવામાં આવી રહ્યુ છે.
આ ઉપરાંત ગોબરગેસને પ્રોત્સાહન આપવા રાજ્યમાં ગોબરધન યોજના અંતર્ગત 38 ક્લસ્ટર બેઇઝ બાયોગેસ પ્લાન્ટ માટેના આયોજન સાથે 7,276 બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં કલસ્ટર દીઠ ગોબરધન પ્રોજેકટ માટે આ વર્ષે અંદાજપત્રમાં રૂ. 25 કરોડની જોગવાઈ કરાઈ છે.