- કોરોનાના નવા સ્વરૂપનું વધતું જોખમ
- આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ગાઇડલાઇન જારી
- 22 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11.59 વાગ્યાથી આદેશ લાગુ
સ્વાસ્થ્ય મંત્રાલયે વિદેશથી આવતા વિમાન મુસાફરો માટે નવી ગાઇડલાઇન જારી કરી છે. તે 2 ઓગસ્ટ 2020 ના રોજ જારી કરેલી જૂની ગાઇડલાઇનની જગ્યા લેશે અને 22 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11.59 વાગ્યે લાગુ કરવામાં આવશે. ગાઇડલાઇન મુજબ,મુસાફરી કરતા પહેલા એર સુવિધા પોર્ટલ પર સેલ્ફ ડિકલેરેશન ફોર્મ સબમિટ કરવું પડશે. કોવિડની નેગેટીવ આરટી-પીસીઆર ટેસ્ટ રીપોર્ટ પણ અપલોડ કરવી પડશે. આ રીપોર્ટ 72 કલાકથી વધુ જૂની ન હોવી જોઈએ.
ગાઇડલાઇન મુજબ, તમામ મુસાફરોને આરટી-પીસીઆર ટેસ્ટ રીપોર્ટની ઓથેન્ટીસિટીનું ડિકલેરેશન પણ આપવું જરૂરી છે. જો તે ખોટું જણાશે તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ મુસાફરોએ તેમની એરલાઇન્સ દ્વારા એર સુવિધા પોર્ટલ અથવા ઉડ્ડયન મંત્રાલયને બાંયધરી આપવી પડશે કે, જો જરૂર પડે તો તેઓ 14 દિવસના હોમ ક્વારેન્ટાઇન અથવા સેલ્ફ હેલ્થ મોનિટરિંગના નિર્ણયને સ્વીકારશે.
ગાઇડલાઇન દ્વારા તે લોકોને રાહત આપવામાં આવી છે, જેઓ તેમના પરિવારના સભ્યની મૃત્યુની સ્થિતિ પર ભારત આવી રહ્યા છે. આવા લોકો માટે કોઈ નકારાત્મક આરટી-પીસીઆર રિપોર્ટની જરૂર રહેશે નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોરોનાના નવા સ્ટ્રેઇનના વધતા જતા જોખમને ધ્યાનમાં રાખીને આ નવી ગાઇડલાઇન જારી કરવામાં આવી છે.
કોરોના વાયરસ મહામારીને કારણે નિયમિત આંતરરાષ્ટ્રીય પેસેન્જર એરલાઇન્સને 23 માર્ચથી સ્થગિત કરી દેવામાં આવી છે. જો કે, વંદે ભારત અભિયાન અને એર બબલ સિસ્ટમ હેઠળ ખાસ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને મે મહિનાથી અમુક દેશોમાં સંચાલન કરવાની મંજૂરી છે. ભારતે અમેરિકા, યુકે, સાઉદી અરેબિયા, કેન્યા, ભૂટાન અને ફ્રાન્સ સહિત 24 દેશો સાથે એર બબલ કરાર કર્યો છે.
-દેવાંશી