આંધ્ર પ્રદેશ સરકારે રૂ. 2.94 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, શાળા શિક્ષણ માટે રૂ. 29 હજાર કરોડ ફાળવ્યા
આંધ્ર પ્રદેશ સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે રાજ્યનું બજેટ રજૂ કર્યું છે. સરકારે 2.94 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે, જેમાં શાળા શિક્ષણ માટે 29,909 કરોડ ફાળવવામાં આવ્યા છે. જ્યારે આરોગ્ય સંભાળ અને પરિવાર કલ્યાણ માટે 18,421 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ડેપ્યુટી સીએમ પવન કલ્યાણના વિભાગ, પંચાયત રાજ અને ગ્રામીણ વિકાસ માટે બજેટમાં 16,739 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
મહેસૂલી ખાધ 34 હજાર કરોડને પાર
આંધ્રપ્રદેશના નાણામંત્રી પાયવુલા કેશવે પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું. નાણામંત્રીના બજેટ ભાષણ મુજબ, આંધ્ર પ્રદેશ સરકારનો મહેસૂલ ખર્ચ 2.35 લાખ કરોડ રૂપિયા અને મૂડી ખર્ચ 32 હજાર કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. રાજ્યની મહેસૂલી ખાધ આશરે 34,743 કરોડ છે, જે રાજ્યના કુલ અર્થતંત્ર (GSDP)ના 2.12 ટકા છે. રાજકોષીય ખાધ 68 હજાર કરોડ રૂપિયાની આસપાસ રહેવાનો અંદાજ છે. નાણામંત્રી કેશવે કહ્યું હતું કે ‘રાજ્યની નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્યને નાણાકીય રીતે પુનઃજીવિત કરવા માટે બજેટ બનાવવામાં આવ્યું છે. આ બજેટનો ઉદ્દેશ્ય રાજ્યના નાણાકીય પૈડાઓને ફરી શરૂ કરવાનો છે.
નાણામંત્રીએ રાજ્યની નબળી આર્થિક સ્થિતિ માટે અગાઉની સરકારને જવાબદાર ઠેરવી હતી
અગાઉની વાયએસઆરસીપી સરકાર પર પ્રહાર કરતા નાણામંત્રી કેશવે કહ્યું હતું કે અગાઉની સરકાર સત્તામાંથી બહાર થઈ ત્યાં સુધીમાં રાજ્યની આર્થિક સ્થિતિ કફોડી હતી. વિપક્ષી પાર્ટી YSRCPએ બજેટના વિરોધમાં આજે સત્રનો બહિષ્કાર કર્યો હતો. રાજ્ય સરકારે આવાસ યોજના માટે બજેટમાં 4,012 કરોડ, માર્ગ નિર્માણ માટે 9,554 કરોડ, કૃષિ માટે 43,402 કરોડ ફાળવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યની 62 ટકા વસ્તી ખેતી પર નિર્ભર છે. કૃષિ બજેટમાં પણ માટી પરીક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
બજેટમાં કૌશલ્ય વિકાસ માટે 1,215 કરોડ, પછાત વર્ગના કલ્યાણ માટે રૂ. 39,007 કરોડ, અનુસૂચિત જનજાતિ કલ્યાણ માટે રૂ. 7,557 કરોડ, પોલીસ માટે રૂ. 8,595 કરોડની ફાળવણી કરવામાં આવી છે.