નવી દિલ્હીઃ ભારતમાંથી પડોશી દેશ બાંગ્લાદેશ સહિત છ જેટલા દેશોમાં ડુંગળીની નિકાસ કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકારે મંજુરી આપી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત મધ્ય-પૂર્વ અને કેટલાક યુરોપિયન દેશોમાં સફેદ ડુંગળીની નિકાસ કરવામાં આવે તેવી શકયતા છે. બાંગ્લાદેશ સહિત છ દેશમાં 99 હજારથી વધારે મેટ્રીક ટન ડુંગળીની નિકાસ કરવામાં આવશે.
કેન્દ્રીય ઉપભોક્તા, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ, યુએઈ, ભૂટાન, બહેરીન, મોરેશિયસ અને શ્રીલંકામાં 99,150 મેટ્રિક ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય એજન્સી નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ (એનસીઈએલ), આ દેશોમાં ડુંગળીની નિકાસ કરશે. આ સાથે, ભારત સરકારે મધ્ય-પૂર્વ અને કેટલાક યુરોપિયન દેશોના નિકાસ બજારો માટે 2000 મેટ્રિક ટન ખાસ ઉગાડવામાં આવતી સફેદ ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી પણ આપી છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર, દેશમાં ડુંગળીનું સૌથી મોટું ઉત્પાદક હોવાને કારણે, એનસીઈએલ દ્વારા નિકાસ માટે ખરીદવામાં આવતી ડુંગળીનું મુખ્ય સપ્લાયર છે. જો કે, કેન્દ્ર સરકારે આ વર્ષે ગ્રાહક બાબતોના મંત્રાલયના ભાવ સ્થિરીકરણ ફંડ હેઠળ રવિ સિઝન-2024માં ડુંગળીના બફર સ્ટોક માટે 5 લાખ મેટ્રિક ટનની ખરીદીનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષની સરખામણીમાં 2023-24માં ઓછા ખરીફ અને રવિ પાકોની આગાહી અને આંતરરાષ્ટ્રીય બજારમાં માંગમાં વધારાની પૃષ્ઠભૂમિમાં પર્યાપ્ત સ્થાનિક પ્રાપ્યતા સુનિશ્ચિત કરવા માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.