ભારત સરકારે દેશ વિરોધી પ્રવૃત્તિમાં સામેલ ‘સિમી’ ઉપર પાંચ વર્ષ માટે પ્રતિબંધ લંબાવ્યો
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્ટુડેંટ્સ ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે સિમી પર પાંચ વર્ષનો પ્રતિબંધ વધારવામાં આવ્યો છે. સોમવારે ગૃહ વિભાગે સોશિયલ મીડિયા ઉપર સિમી ઉપર પ્રતિબંધ વધારવાના આદેશની માહિતી આપી હતી. સોશિયલ મીડિયામાં લખ્યું છે કે, આતંકવાદ સામેની પીએમ મોદીની જીરો ટોલરેંસના દ્રષ્ટીકોણ હેઠળ સિમીને યુએપીએ હેઠળ વધારે પાંચ વર્ષ માટે ગેરકાનૂની સંગઠન જાહેર કરવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર ભારતની સંપ્રભુતા, સુરક્ષા અને અખંડતાને ખતરમાં મુકવા, આતંકવાદને ફેલાવવા, શાંતિ અને સાંપ્રદાયિક સદ્ભાવનને બગાડવા માટે સિમીની સંડોવણી સામે આવેલી છે. ગયા વર્ષે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવીટ કરી ને સિમી ઉપર લગાવેલા પ્રતિબંધને યોગ્ય ઠરાવ્યો હતો. તેમજ સિમીને ભારતીય રાષ્ટ્રવાદ વિરોધી ગણાવ્યું હતું.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, કોઈ પણ સંગઠનનો ઉદેશ્ય ભારતમાં ઈસ્લામિક શાસન સ્થાપિત કરવાનો છે , તેના અસ્તિત્વમાં રહેવાની મંજુરી આપી શકાય નહીં. કેન્દ્ર સરકારે એફિડેવીટમાં આરોપ લગાવ્યો હતો કે, સિમીનો ઉદ્દેશ્ય દેશના કાનૂનથી વિપરિત છે. સંગઠનનો ઉદ્દેશ્ય ઈસ્લામના પ્રચારમાં યુવાનો અને વિદ્યાર્થીઓને એકઠા કરીને જિહાદ માટે સમર્થન પ્રાપ્ત કરવાનો છે.
કેન્દ્ર સરકારે એફિડેવીટમાં જણાવ્યું હતું કે, અનેક વર્ષોથી સિમી ઉપર પ્રતિબંધ છે તેમ છતા વિવિધ સંગઠનોના માધ્યમથી ગેરકાયદે પ્રવૃતિમાં કાર્યરત રહેવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. જેથી તેની સામે નવો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને અનુરોધ કર્યો હતો કે, સિમી ઉપર લગાવવામાં આવેલા પ્રતિબંધ ફરમાવતા કેન્દ્રના નિર્ણયને પડકારતી અરજી ના મંજુર રાખવી જોઈએ.