લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભામાં આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકારે બજેટ રજુ કર્યું હતું. નાણા મંત્રી સુરેશ કુમાર ખન્નાએ 7.36 લાખ કરોડનું બજેટ રજુ કર્યું હતું. જેમાં વિવિધ ક્ષેત્રોમાં વિકાસ અને ગરીબો-ખેડૂતો અને મહિલાઓને સૌથી વધારે પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કરાયો છે. રાજ્યમાં રોજગારીની નવી તકો ઉભી થાય અને મૂડી રોકાણ વધે તે માટે વિવિધ યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી હતી.
નાણામંત્રી સુરેશ કુમાર ખન્નાએ સોમવારે યુપી વિધાનસભામાં રાજધાની લખનૌ માટે મોટી જાહેરાત કરી. તેમણે વિધાનસભામાં 7.36 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. બજેટ સંબોધન દરમિયાન નાણામંત્રીએ કહ્યું કે દિલ્હીની જેમ લખનૌમાં એરો સિટી વિકસાવવાની યોજના છે, જે લગભગ 1500 એકરમાં વિકસાવવામાં આવશે. તેમાં 7 સ્ટાર હોટેલ, પાર્ક, વર્લ્ડ ક્લાસ કન્વેન્શન સેન્ટર વગેરે જેવી સુવિધાઓ હશે.
તેમણે કહ્યું કે, અમારી સરકાર અત્યાર સુધીમાં લગભગ 6 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં સફળ રહી છે. આજે રાજ્યમાં બેરોજગારીનો દર ઘટીને માત્ર 2.4 ટકા થયો છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા સેમી કન્ડક્ટર પોલિસીને મંજૂરી આપવામાં આવી છે. આ પોલિસી રાજ્યમાં સેમી કંડક્ટર એકમોની સ્થાપના અને વિકાસનો માર્ગ મોકળો કરશે, જેનાથી રાજ્યમાં દેશ અને વિદેશમાંથી મોટા પાયે રોકાણ આવશે. આવી નીતિ લાવનાર પ્રદેશ દેશનું ચોથું રાજ્ય બન્યું છે.
નાણામંત્રીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે હીરો ફ્યુચર એનર્જી સાથે રૂ. 4 હજાર કરોડના રોકાણ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે, જે હેઠળ સંસ્થા રાજ્યમાં નવીનીકરણીય ઉર્જા અને સ્વચ્છ ટેકનોલોજી પ્રોજેક્ટ્સમાં રોકાણ કરશે. તેમણે કહ્યું કે હૈદરાબાદમાં રાજ્ય સરકાર દ્વારા ફાર્મા કોન્ક્લેવનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેના પરિણામે મોટી ફાર્મા કંપનીઓ ઉત્તર પ્રદેશમાં રોકાણ કરવામાં રસ દાખવી રહી છે. હૈદરાબાદમાં યોજાયેલા વિંગ્સ ઈન્ડિયા એવોર્ડ-2024માં ઉત્તર પ્રદેશને સ્ટેટ ચેમ્પિયન ઇન એવિએશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું.