રાજ્યમાં વરસાદ અને પવન ફૂંકાવાથી સર્જાયેલી સ્થિતિની સમિક્ષા કરવા સરકારનો અધિકારીનો નિર્દેશ
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદ અને પવન ફૂંકાવાથી સર્જાયેલી સ્થિતિની સમિક્ષા તાત્કાલિક હાથ ધરવા, કાર્યકારી મુખ્ય સચિવ સુનયના તોમરને દિશાનિર્દેશ આપ્યા હતાં. આ દિશાનિર્દેશને પગલે સુનયના તોમરે અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તેમના જિલ્લામાં થયેલા વરસાદ, પવન અને વીજળીની સ્થિતિ વગેરેની તલસ્પર્શી મહિતી મેળવી હતી. ગતરોજ રાજ્યમાં 41 તાલુકમાં વરસાદ વરસ્યો હતો. તો વીજળી પડવાને કારણે 2 લોકોનો મૃત્યું પણ થયા છે. ભારે પવનને પગલે 249 ગામમાં વીજ પુરવઠાને અસર પડી હતી જે તાત્કાલિક પૂર્વવત કરી દેવામાં આવી છે.
હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જેને પગલે સૌરાષ્ટ્ર, મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન અને કરા સાથે અનેક જગ્યાએ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી હતી પરંતુ ખેતીમાં મોટા પાયે નુકસાન જવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ પહેલા ધૂળની ડમરીઓ ઉડી હતી જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે પવનથી અનેક જગ્યાએ હોડિંગ્સ અને બોર્ડ ઉડી જવાની ઘટનાઓ બની હતી. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો.
ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને અન્નદાતાની ચિંતાઓ વધી ગઈ છે. તો મધ્ય ગુજરાતમાં વડોદરા, ગોધરા, પંચમહાલ, દાહોદ સહિતના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે ઠંડક પ્રસરી ગઈ હતી.
દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વલસાડ, કપરાડા, ડાંગ, નવસારીમાં પણ હળવો વરસાદ વરસ્યો હતો. પરંતુ આ માવઠાને કારણે કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે. તો સૌરાષ્ટ્રમાં પણ મેઘસવારી આવી પહોંચતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. રાજકોટના ગોંડલમાં પવન સાથે વરસ્યું માવઠું. તો ચોટીલામાં વરસાદને કારણે નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. તો મોરબીમાં ધૂળની ડમરીઓ બાદ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. સુરેન્દ્રનગરના, લીંબડી, ધ્રાંગધ્રા, ચૂડામાં પણ માવઠાથી નુકસાન થયું છે.