Site icon Revoi.in

ધો. 10 અને 12ના વિવિધ વિષયોના સિલેબસમાં 30 ટકા ઘટાડો કરવા બોર્ડની વિચારણા

Social Share

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કાળમાં મોટાભાગના વિદ્યાર્થીઓને ઘરે બેસીને ઓનલાઈન શિક્ષણ લેવાની ફરજ પડી હતી. હવે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ આપવાના પ્રારંભ થઈ ગયો છે. જેમાં હાલ ધો.9થી 12ના વર્ગો રાબેતા મુજબ બની રહ્યા છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ના ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ આ વર્ષે પણ ઘટાડવામાં આવેલા અભ્યાસક્રમ સાથે અભ્યાસ કરશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કોવિડ -19 મહામારીને કારણે આ વર્ષે પણ ધો.10 ના 9 લાખ અને ધો.12ના 7 લાખ વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ 30 ટકા જેટલો કાપવાની યોજના બનાવી રહ્યું છે. આ નિર્ણય સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ની ગત મહિને પોતાના અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો કરવાની જાહેરાતના આધારે કરવામાં આવી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ બાબતની તપાસ કરવા અને તેના તારણો રાજ્યના શિક્ષણ વિભાગને સુપરત કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ વિવિધ પાસાઓને ધ્યાનમાં લીધા બાદ અભ્યાસક્રમમાં 30 ટકા કાપની ભલામણ કરશે, ખાસ કરીને આગળના અભ્યાસમાં સાતત્ય પરિબળને ધ્યાને રાખીને આ ભલામણ કરવામાં આવશે. સિલેબસ કેટલી હદ સુધી કાપવાનો છે તે અંગે અંતિમ નિર્ણય સરકાર લેશે.

અભ્યાસક્રમ ફક્ત શૈક્ષણિક વર્ષ 2021-22 માટે જ સુધારવામાં આવશે. ધોરણ 10 અને ધોરણ 12 માટે GSHSEB દ્વારા બોર્ડની પરીક્ષા લેવામાં આવે છે ત્યારે અભ્યાસક્રમમાંથી બાકાત કરાયેલા પ્રકરણોમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે નહીં. તેવી જ રીતે, સમિતિ સુનિશ્ચિત કરશે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મહત્વના પ્રકરણોને બાકાત રાખવામાં ન આવે. સતત બીજા વર્ષે ટૂંકો અભ્યાસક્રમ લાગુ કરવાનો નિર્ણય લેવા ઉપરાંત, GSHSEB તમામ શાળાઓ માટે ધોરણ 10 અને ધોરણ 12 માટે ટર્મ વાઈઝ અભ્યાસક્રમ પણ બહાર પાડવામાં આવશે. મહત્વનું છે કે સપ્ટેમ્બર 2020 માં રાજ્યના શિક્ષણ વિભાગે શૈક્ષણિક વર્ષ 2020-21 માટે કોવિડ -19 ની પરિસ્થિતિ વચ્ચે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ 30 ટકા ઘટાડવાની જાહેરાત કરી હતી કારણ કે વિદ્યાર્થીઓ ઓનલાઇન મોડ દ્વારા શીખી રહ્યા હતા.

આ વર્ષે પણ મહામારીની સ્થિતિ જોતા શૈક્ષણિક વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં શાળાઓ બંધ રાખવાની ફરજ પડી છે અને શાળાઓ વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવી રહી છે. સરકારે જુલાઇ મહિનાથી ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડમાં 50 ટકા હાજરી સાથે શાળાઓ ફરીથી ખોલવાની મંજૂરી આપી હતી.