નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં ઓનલાઈન ગેમ્સના માધ્યમથી ધર્મપરિવર્તન કરવાના રેકેટનો પર્દાફાશ થયા બાદ સરકાર હરકતમાં આવી છે. હવે સરકાર કેટલીક મોબાઈલ ગેમ્સ ઉપર કાર્યવાહી કરવા માટે એક્શન પ્લાન તૈયાર કરી છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે કેન્દ્ર સરકાર દેશમાં ત્રણ પ્રકારની રમતો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહી છે. કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગ માટે એક માળખું તૈયાર કર્યું છે. “સરકાર ભારતમાં તે રમતો પર પ્રતિબંધ મૂકશે, જેમાં સટ્ટાબાજીનો સમાવેશ થાય છે અથવા જે વપરાશકર્તાઓ માટે હાનિકારક હોઈ શકે છે તેમજ વ્યસનનું જોખમ ધરાવે છે”. જો આમાંથી કોઈ પણ કારણ રમતમાં જોવા મળે છે, તો તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
મંત્રીએ કહ્યું કે એક સ્વ-નિયમનકારી સંસ્થા જે પાત્ર રમતોને મંજૂરી આપે છે તેની સ્થાપના નિયમોની સૂચનાની તારીખથી 90 દિવસની અંદર થવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે “આગામી 90 દિવસોમાં, અમે SROની રાહ જોઈ રહ્યા છીએ, સરકાર નક્કી કરશે કે શું સાચું છે અને શું નથી.” ચંદ્રશેખરે જણાવ્યું હતું કે “એઆઈ અથવા કોઈપણ નિયમન પ્રત્યે અમારો અભિગમ એ છે કે અમે વપરાશકર્તાઓને નુકસાન પહોંચાડવાના દૃષ્ટિકોણથી તેનું નિયમન કરીશું. આ એક નવી ફિલસૂફી છે, જે 2014 થી શરૂ થઈ છે કે અમે ડિજિટલ નાગરિકોની સુરક્ષા કરીશું. અમે પ્લેટફોર્મને મંજૂરી આપીશું નહીં. જે ડિજિટલ નાગરિકોને નુકસાન પહોંચાડે છે. જો તેઓ અહીં કાર્ય કરે છે, તો તેઓ વપરાશકર્તાઓને થતા નુકસાનને ઓછું કરશે.”