ખાનગી શાળાઓને સ્કુલ ઓફ એક્સેલન્સ જાહેર કરી શિષ્યવૃતિના નિર્ણયથી સરકારી સ્કૂલોને અસર પડશે
અમદાવાદઃ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની રીતિનીતિને કારણે ખાનગી શાળાઓને લાભ થઈ રહ્યો છે. શિક્ષણ વિભાગે કેટલીક ખાનગી શાળાઓને સ્કૂલ ઓફ એક્સેલન્સ જાહેર કરી છે, આવી ખાનગી શાળાઓને સરકારના ખર્ચે વિદ્યાર્થીઓ પૂરા પાડવામાં આવશે. આ માટે શિક્ષણ વિભાગે ધો. 5ના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટ આધારે વિદ્યાર્થીઓ જો ખાનગી શાળાઓમાં સ્કૂલ ઓફ એક્સેલન્સ મુજબ પ્રવેશ મેળવે તો તેને ધો. 6થી 10 સુધી દર વર્ષે રૂ. 20 હજાર શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જ્યારે વિદ્યાર્થી જો સરકારી શાળામાં જ ભણતો રહે તો તેને વર્ષે માત્ર રૂ. 5 હજારની જ શિષ્યવૃત્તિ અપાશે, શિક્ષણ વિભાગની આ રીતિનીતિ સામે વિરોધ ઊભો થયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતભરની સરકારી શાળાઓમાંથી ધો. 5માં ભણતા અંદાજે 25 હજાર વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં મોકલવાનો કારસો રાજ્યના શિક્ષણ વિભાગે ઘડી કાઢ્યો છે. સરકારે જે ખાનગી શાળાઓને સ્કૂલ ઓફ એક્સેલન્સ જાહેર કરી છે તેઓને સરકારના ખર્ચે વિદ્યાર્થીઓ પૂરા પાડવામાં આવશે. આ માટે શિક્ષણ વિભાગે ધો. 5ના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ શરૂ કરી છે. આ ટેસ્ટમાં મેરિટ મેળવનારા વિદ્યાર્થી જો સ્કૂલ ઓફ એક્સેલન્સમાં પ્રવેશ મેળવે તો તેને ધો. 6થી 10 સુધી દર વર્ષે રૂ. 20 હજાર શિષ્યવૃત્તિ મળે પણ જો તે સરકારી શાળામાં જ ભણતો રહે તો તેને વર્ષે માત્ર રૂ. 5 હજારની જ શિષ્યવૃત્તિ મળે. આમ, ખુદ સરકારે પોતે જ સરકારી સ્કૂલોને ખાલી કરી નાંખવાનો વ્યૂહ ઘડી કાઢ્યો હોય એવું ચિત્ર ઊભું થયું છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારી શાળાના આચાર્યો વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં બેસવા માટે પ્રેરિત અને તૈયાર કરે એ માટે દરેક શાળાઓને ગ્રેડ પદ્ધતિ દાખલ કરી છે. આ પદ્ધતિ મુજબ શાળાને ગુણોત્સવમાં ગમે તેટલા સારા માર્ક મળ્યા હોય પણ જો તેના 20 ટકાથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષાના મેરિટમાં ન આવે તો તેને એ, એ પ્લસ ગ્રેડ નથી અપાતો. તાજેતરમાં જ આ જ કારણોસર એક શાળાને ગુણોત્સવમાં 83.81 ટકા મળવા છતાં તેને બી ગ્રેડ મળ્યો, તેની સામે 77.55 ટકા મેળવનાર બીજી એક શાળાને એ ગ્રેડ અપાયો. ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા આ રીતે ગ્રેડ આપવામાં આવ્યા છે. શિક્ષકોના કહેવા મુજબ પોતાની શાળાનો ગ્રેડ સારો હોય તો તેની આબરૂ સારી હોય છે. તે ઓછો કે વધુ હોય તો તેનાથી શિક્ષક કે આચાર્યને કોઇ ઇજાફા કે પ્રમોશનમાં ફાયદો નથી થતો. (File photo)