ગુજરાતમાં વર્ષ 2011-12માં માથાદીઠ વીજ વપરાશ 1233 યુનિટની સરખામણીએ દસ વર્ષમાં આંકડો બમણો થયો
અમદાવાદઃ સામાજિક અને આર્થિક વિકાસ માટેનો એક અગત્યનો માપદંડ વીજળી છે. વર્ષ 2011-12માં રાજ્યનો સરેરાશ માથાદીઠ વીજ વપરાશ 1233 યુનિટ હતો, જે આજે વર્ષ 2021-22માં વધીને 2283 યુનિટ થયેલ છે. જે રાષ્ટ્રીય સરેરાશ માથાદીઠ વીજ વપરાશ 1255ની સરખામણીમાં લગભગ બમણો હોવા છતાં પણ અમારી સરકાર સતત વીજ પુરવઠો પૂરી પાડી રહી છે. રાજ્યની વીજ કંપનીઓ સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે, તેમ રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અનુદાનો માટેની માંગણી પર ચર્ચા દરમિયાન મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આપણે સૌ જાણીએ છીએ તેમ આપણાં રોજીંદા ઘર વપરાશ, કૃષિ ઉત્પાદન, ઔદ્યોગિક ઉત્પાદન, વિવિધ પ્રકારની સમાજલક્ષી સેવાઓ જેવી કે, શાળા, કોલેજો, રિસર્ચ સેન્ટર, દવાખાના, હોસ્પિટલ્સ, કાયદો અને વ્યવસ્થાની જાળવણી વગેરે તમામ ક્ષેત્રે કોઇપણ પ્રકારની પ્રવૃત્તિ માટે વીજળી ખૂબ જ અગત્યનું પરિબળ છે.
દરેક ક્ષેત્રમાં ગુજરાતના વિકાસની વણથંભી યાત્રા છેલ્લા 20 વર્ષથી અવિરત આગળ વધી રહી છે, તેના મૂળમાં રાજ્યમાં ગુણવત્તાયુકત અને સાતત્યપૂર્ણ રીતે પૂરો પાડવામાં આવતો વીજ પુરવઠો પણ છે. નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ જયોતિગ્રામ યોજના આજે દેશના બધા જ રાજયો માટે એક મિસાલ છે.
સામાજિક અને આર્થિક વિકાસ માટેનો એક અગત્યનો માપદંડ વીજળી છે. વર્ષ 2011-12માં રાજ્યનો સરેરાશ માથાદીઠ વીજ વપરાશ 1233 યુનિટ હતો, જે આજે વર્ષ 2021-22માં વધીને 2283 યુનિટ થયેલ છે. જે રાષ્ટ્રીય સરેરાશ માથાદીઠ વીજ વપરાશ 1255ની સરખામણીમાં લગભગ બમણો હોવા છતાં પણ અમારી સરકાર સતત વીજ પુરવઠો પૂરી પાડી રહી છે. રાજ્યની વીજ કંપનીઓ સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ભારત સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા હાથ ધરાતા ઇન્ટીગ્રેટેડ રેન્કીંગમાં રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીઓ છેલ્લા દસ વર્ષથી A+ રેટિંગ સાથે સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરતી આવી છે. ગત એક વર્ષ દરમિયાન કુલ 24 થી પણ વધુ રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ અને પારિતોષિકો વીજ કંપનીઓને પ્રાપ્ત થયેલ છે. જે આપણા માટે ગર્વની બાબત છે.
નરેન્દ્ર મોદીએ વર્ષ 2070 સુધીમાં Net Zero Emission નો લક્ષાંક પ્રાપ્ત કરવાનો નિર્ધાર કરેલ છે. જેના ભાગરૂપે વર્ષ 2030 સુધીમાં પચાસ ટકા ફોસીલ ફ્રી ઊર્જા ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે. જેને સિદ્ધ કરવા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની આગેવાની હેઠળની અમારી સરકાર રીન્યુએબલ એનર્જીના વિવિધ સ્ત્રોતો જેવા કે, સોલાર, વિન્ડ, વેસ્ટ ટુ એનર્જી, હાઇડલ, પંપ હાઇડ્રો સ્ટોરેજ વગેરે સેક્ટરના વિકાસ માટે ગુજરાતને અગ્રેસર અને રોકાણકારો માટે પ્રથમ પસંદગીનું રાજ્ય બનાવવા માટે કટિબદ્ધ છે.
ઊર્જા વિભાગની વિવિધ યોજનાઓના સફળતાપૂર્વક આયોજન અને અસરકારક અમલીકરણ માટે વર્ષ 2023-24 ના અંદાજપત્રમાં કુલ રૂા. 8737 કરોડની રકમ ફાળવવામાં આવેલ છે. માંગણી ક્રમાંક-12 અંતર્ગત વિભાગ હસ્તકની મુખ્ય વિદ્યુત નિરીક્ષકની કચેરીના પગાર ભથ્થા અને બીજી સંલગ્ન પ્રવૃત્તિઓ માટે જોગવાઇ કરવામાં આવેલ છે. જ્યારે માંગણી ક્રમાંક-13 માં આગામી વર્ષમાં જુદા જુદા કાર્યો માટે હયાત ચાલુ યોજનાઓ અને આગામી વર્ષની નવી યોજનાઓનો સમાવેશ થાય છે.