10 વર્ષ અને અઢી લાખ કિમી ચાલેલા સરકારી વાહનોને રદબાતલ કરાશેઃ 90 દિવસમાં વાહનનો નિકાલ કરો પડશે
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા વાહન કંડમ જાહેર કરવા તેમજ તેના નિકાલ માટે વર્ષ 2018 માં કમિટીની રચના કરી હતી. આ સમિતિએ 2019 માં પોતાની પોલીસી બનાવી અને સરકારને આપી હતી, જેના આધારે રાજ્યમાં વાહન રદબાતલ જાહેર કરવા માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે કેટલાક મહત્વનાં નિર્ણયો જાહેર કર્યા છે .જેમાં વાહન ટાયર અને વાહનના નિકાલ માટેના નિયમો આખરી કરવામાં આવ્યા છે. વાહન કંડમ થઈ ગયા પછી 90 દિવસમાં નિકાલ કરવો ફરજિયાત કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે રાજ્યનાં સરકારી વાહનોને રદ કરવાના ધારા ધોરણોમાં ફેરફાર કર્યો છે. હવેથી સરકારી વાહનો 10 વર્ષ જુના અને 2.5 લાખ કિમી ચાલ્યા હશે તો રદબાતલ ગણાશે. આ અંગે રાજયના બંદરો અને વાહનવ્યવહાર વિભાગે નિયમોમાં ફેરફાર કરવા તેમ જ ટાયરોની આયુષ્ય મર્યાદા વધારવા નિર્ણય કર્યો છે.
હાલમાં અદ્યતન એન્જીન ટેકનોલોજીવાળા વાહનો બજારમાં ઉપલબ્ધ છે. સાથે રાજયમાં રસ્તાઓની સ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. આ બાબતોને ધ્યાનમાં લઇને સરકારે આ નિર્ણય લીધો છે. નિર્ણય પ્રમાણે હવે સરકારી વાહનોની 2 લાખ કિ.મી.ના બદલે 2.50 લાખ કિ.મી. ચાલી હોય તેમ જ ખરીદીના 10 વર્ષ પૂર્ણ કર્યા હશે તેવા વાહનને જ કચેરીના વડા રદબાતલ કરી શકશે. ઉપરાંત ટાયરોનું આયુષ્ય 32 હજાર કિલોમીટરના સ્થાને 40 હજાર કરવામાં આવ્યું છે.
સરકારી વાહનોની લઘુત્તમ આયુષ્ય મર્યાદામાં ફેરફાર કરવા તેમ જ તેને રદબાતલ કરવા અંગેના ધોરણોમાં ફેરફાર કરવા બાબતે તથા ટાયરોની આયુષ્ય મર્યાદાના માપદંડોમાં ઉચિત વધારો કરવા અંગે 13-4-2018ના રોજ રાજયના વાહનવ્યવહાર કમિશનરની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ 23-8-2019ના રોજ સૂચનો અને ભલામણ સાથેનો અહેવાલ સરકારમાં રજૂ કર્યો હતો. તે ભલામણો અંગે સરકારે વિચારણાં હાથ ધરી હતી. વિચારણાંના અંતે રાજયના વાહનવ્યવહાર વિભાગે નિર્ણય જાહેર કર્યો હતો.
આ સિવાયના વાહન રદબાતલ કરવા માટે 2.50 લાખ કિ.મી. અને ખરીદીના 10 વર્ષ પુરા કર્યા ન હોય તેવા વાહનોને રદબાતલ કરવાની જરૂરિયાત ઊભી થાય તો નર્મદા જળ સંપત્તિ વિભાગ અથવા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના યાંત્રિક વિભાગના અધિક્ષક ઇજનેરનો અભિપ્રાય મેળવીને સંબંધિત વહીવટી વિભાગના વડા વાહન રદબાતલ કરવાની મંજુરી આપી શકશે. કોઇપણ વાહન રદબાતલ જાહેર કર્યા બાદ તેનો વધુમાં વધુ 90 દિવસમાં નિકાલ કરવાનો રહેશે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.