દિલ્હી:ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ (GST કાઉન્સિલ)ની બેઠક શનિવારે યોજાવા જઈ રહી છે.આ બેઠકમાં વિવાદો ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે ટેક્સની જોગવાઈઓમાં સ્પષ્ટતા લાવવા માટે એક ડઝનથી વધુ નિયમોમાં ફેરફાર પર વિચારણા થઈ શકે છે.48મી GST કાઉન્સિલ મીટિંગમાં પાન-મસાલા અને ગુટખા જેવી વસ્તુઓ પર વધારાનો ટેક્સ લાદવા અંગે વિચારણા થઈ શકે છે. હકીકતમાં, ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સના રિપોર્ટમાં ગુટખા કંપનીઓની કરચોરીનો મામલો સામે આવ્યો હતો.આ સાથે, વધારાનો ટેક્સ લાદવાની પણ વાત કરવામાં આવી હતી, જેને સામાનની છૂટક કિંમતો સાથે જોડવી જોઈએ.
બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ, ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સ (GOM) એ ‘સ્પેસિફિક ટેક્સ આધારિત વસૂલાત’નો પ્રસ્તાવ મૂક્યો છે.પેનલે કુલ 38 વસ્તુઓ પર ચોક્કસ ટેક્સ લાદવાની દરખાસ્ત કરી છે.જેમાં પાન-મસાલા, હુક્કા, ચિલ્મ, ચાવવાની તમાકુ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.આ વસ્તુઓની છૂટક વેચાણ કિંમત પર 12 ટકાથી 69 ટકા સુધીનો વધારાનો ટેક્સ વસૂલવાનો પ્રસ્તાવ છે.હાલમાં તેમના પર 28 ટકાના દરે GST વસૂલવામાં આવે છે.
ઓડિશાના નાણામંત્રી નિરંજન પૂજારીની આગેવાની હેઠળની મંત્રી સમિતિએ આ મુદ્દે પોતાનો અંતિમ અહેવાલ સુપરત કર્યો છે.શનિવારે GST કાઉન્સિલની બેઠકમાં તેને રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.જો રિપોર્ટ મંજૂર થાય છે, તો તે રિટેલર અને ડિસ્ટ્રિબ્યુટર બંને સ્તરે આ વિસ્તારોમાં આવકના લીકેજને રોકવામાં મદદ કરશે.
પેનલે શોધી કાઢ્યું હતું કે,આવી વસ્તુઓની સપ્લાય ચેઇનના પછીના તબક્કામાં ઉચ્ચ આવક લિકેજ અસ્તિત્વમાં છે.મોટાભાગના છૂટક વિક્રેતાઓ નાના અને ફરજિયાત GST નોંધણીની થ્રેશોલ્ડથી નીચે હોવાથી, તેમને શોધી કાઢવું મુશ્કેલ છે.આ કારણોસર, પેનલે નક્કી કર્યું કે આવકના પ્રથમ તબક્કામાં જ કર વસૂલાત વધારવી જોઈએ.