Site icon Revoi.in

ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની દીકરીના શિક્ષણની ચિંતા સરકાર કરશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી કન્યાઓને ચાર વર્ષમાં કુલ રૂ. 50,000 આર્થિક સહાય આપવાની ‘નમો લક્ષ્મી’ યોજના તથા ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને બે વર્ષમાં કુલ રૂ. 25000 આર્થિક સહાય આપવાની ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. રાજ્યની દિકરીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવાવા પ્રોત્સાહિત કરવા સાથે તેમના પોષણ ની ચિંતા કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કન્યા કેળવણીની નેમ પાર પાડવા તેમજ રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ બે ઐતિહાસિક યોજનાઓ આ વર્ષ થી  શરુ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ અમદાવાદની જ્ઞાનદા હાઇસ્કુલથી તેનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યભરની 35 હજાર જેટલી પ્રાથમિક-માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ-શિક્ષકો આ કાર્યક્રમમાં ઓનલાઇન જોડાયા હતાં. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, ગુજરાતની નારીશક્તિ અને યુવાશક્તિને જ્ઞાનવર્ધન માટે, માધ્યમિક શિક્ષણ મેળવવા  સાથે પોષણ દ્વારા સશક્ત કરવાનો અવસર આ બે યોજનાઓના લોન્ચિંગથી આવ્યો છે. રાજ્યના મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોના સંતાનો ની શિક્ષણની ચિંતા ડબલ એન્જીન સરકાર કરશે.

ભૂપેન્દ્ર પટેલે ‘નમો લક્ષ્મી યોજના’ની ભૂમિકા સ્પષ્ટ કરતા જણાવ્યું કે, ધોરણ 9 થી 12 માં ઉચ્ચતર માધ્યમિક શાળામાં કન્યાઓ પ્રવેશ મેળવે, સાથે-સાથે તેમને પોષણ મળે તે માટે આ યોજનાની શરૂઆત કરી છે. સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ કરતી દીકરીઓને શિક્ષણ અને પોષણ એમ બંને માટેની સહાય આ યોજનાથી મળશે.

મુખ્યમંત્રીશ્રી નમો લક્ષ્મી યોજના વિશે  તેમણે વધુમાં જણાવ્યું કે, ધોરણ 9 અને 10માં 10 મહિના સુધી માસિક રૂપીયા 500-500 પ્રતિ વર્ષ મળશે, બાકીના રૂપીયા 10 હજાર ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે. ધોરણ 11 અને 12માં  10 મહિના સુધી માસિક રૂપીયા 750-750 પ્રતિ વર્ષ મળશે, બાકીના રૂપીયા 15 હજાર ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે. મુખ્યમંત્રીએ નમો સરસ્વતી વિદ્યા અને સાધના યોજના અંગે કહ્યું કે, રાજ્યના દીકરા દીકરીઓ વિજ્ઞાન પ્રવાહમાં ભણવા માટે પ્રોત્સાહિત થાય સાયન્સ સ્ટ્રીમમાં આગળ વધે તેવો હેતુ આ યોજના શરૂ કરવા પાછળ છે.

મુખ્યમંત્રી આ યોજનાની ભૂમિકા આપતા જણાવ્યું કે, આ યોજનામાં ધોરણ 11 અને 12 સાયન્સમાં 10 મહિના સુધી માસિક રૂપીયા 1000 પ્રતિ વર્ષ, એમ કુલ રૂપીયા 20 હજાર મળશે, બાકીના રૂપીયા પાંચ હજાર ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણ 9-10 અને સાયન્સ, કોમર્સ, આર્ટ્સના ધો. 11,12માં અભ્યાસ કરતી દિકરીઓને ‘નમો લક્ષ્મી યોજના’નો લાભ મળશે. તેમજ ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ મળશે. 

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરતી દીકરીઓને નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના આ બન્ને યોજનાનો લાભ મળશે. તેમણે વધુમાં કહ્યું કે, સરકારી અને અનુદાનિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજનાઓનો લાભ પરિવારની આવક મર્યાદા ધ્યાને લીધા વિના મળશે.  આ બંને યોજનાઓની જાહેરાત રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં કરી છે અને નમો લક્ષ્મી યોજના’ માટે વાર્ષિક રૂ. 1250 કરોડ તથા ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ માટે રૂ. 400 કરોડ એમ કુલ રૂ. 1650 કરોડની જોગવાઈ પણ બજેટમાં કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે, મોટાભાગે બજેટમાં જે જોગવાઈઓ કે જાહેરાતો થઈ હોય તેના અમલ માટે વહીવટી આંટીઘુંટીમાં ઘણો સમય જતો હોય છે. પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના માર્ગદર્શનમાં  ડબલ એન્જિન સરકારે યોજનાઓની જાહેરાત સાથે જ તેનો અમલ પણ તરત જ થાય તેવું વર્ક કલ્ચર ઊભું કર્યું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, આ વર્ષના બજેટમાં રજૂ થયેલી 88% જેટલી જોગવાઈઓને વહીવટી મંજૂરી આપી દેવાઇ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, શિક્ષણ ક્ષેત્રે સતત સુધાર માટે ડબલ એન્જિન સરકાર સતત પ્રયત્નશીલ છે અને તેના સુખદ પરિણામો આવી યોજનાઓ અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવા આધુનિક પ્રકલ્પોના અમલથી જોવા મળે છે.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે જ્ઞાનસેતુ મેરિટ સ્કૉલરશિપ, જ્ઞાનસાધના મેરિટ સ્કૉલરશિપ, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઑફ એક્સલન્સ અને રક્ષાશક્તિ સ્કૂલ્સ હેઠળ 60 હજારથી વધુ વિદ્યાર્થીઓને અંદાજિત રૂ. 61 કરોડના લાભોનું વિતરણ કર્યું હતું. તેમણે જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલની બે કમ્પ્યૂટર લેબ અને વિવિધ સ્માર્ટ ક્લાસનો પ્રારંભ પણ કરાવ્યો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે આ પ્રસંગે જણાવ્યું હતુ કે, શિક્ષિત ગુજરાત, વિકસિત ગુજરાત માટે વિકસિત ભારત@૨૦૪૭ની સંકલ્પનામાં કન્યાઓ-કિશોરીઓની ભૂમિકા સવિશેષ છે. તેમના પોષણ, શિક્ષણ અને આરોગ્યને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.