IT પોલિસીની અમલવારી કરી આઈટી ક્ષેત્રમાં ગુજરાતને ટોચ પર લઈ જવાનો સરકારનો ધ્યેય
અમદાવાદઃ રાત્રે અમદાવાદમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના IT પ્રોફેશનલ્સની સમિટ યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે IT પોલિસીની અમલવારી કરી IT ક્ષેત્રમાં ગુજરાતને ટોચ પર લઈ જવાનો ગુજરાત સરકારનો ધ્યેય છે. આ સાથે તેમણે ડિજિટલ સશક્તિકરણ સંકલ્પને સાકાર કરવાની પણ વાત કહી.
તેમણે ઉમેર્યું હતું કે ડિજિટલ ક્રાંતિને કારણે લોકોનું જીવનધોરણ બદલાયું છે. ગુજરાતમાં વિવિધ સરકારી સેવાઓના ડિજિટલ ગવર્નન્સથી લોકોના કામ સરળ બની રહ્યા છે. સાથોસાથ જનહિતનાં કામોમાં પારદર્શકતા, ઝડપ અને વિશ્વસનીયતા વધી છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતે આઇટી ક્ષેત્રમાં લીડ લેવા કમર કસી છે. જેના માટે આઇટીનો વ્યાપ વધારવા અનેક ખાનગી કંપનીઓ સાથે MOU પણ થયા છે. જેના દ્વારા ૧ લાખ લોકોને રોજગારી આપવાનું સરકારનું લક્ષ્ય છે
ગૂગલ જેવી આઇટી કંપનીનું સંચાલન GIFT સિટીમાં થશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું અને આવનારા સમયમાં GIFT સિટી પણ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ હબ બનશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આ સમિટમાં અમદાવાદ શહેરના ધારાસભ્યો, આઇટી ક્ષેત્રના ઉદ્યોગકારો અને નિષ્ણાતોએ હાજરી આપી હતી.