Site icon Revoi.in

ગુજરાતમાં પ્રિ-પ્રાયમરી સ્કુલ શરૂ કરવા માટે સરકારની મંજુરી લેવી પડશે, ફી પણ સરકાર નક્કી કરશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં પ્રિ-પ્રાયમરી સ્કુલો મંજુરી વિના આડેધડ ચાલી રહી છે. જુનિયર અને સિનિયર કેજીમાં તો મનમાની ફી વસુલ કરવામાં આવતી હોય છે. તેમજ સરકારના નિયમોનું પાલન કરવામાં આવતુ નથી. ત્યારે હવે  ન્યુ એજ્યુકેશન પોલીસી લાગુ કરવાના ભાગ રૂપે પ્રી-પ્રાઈમરી સ્કૂલોના નિયમન અને મંજૂરી માટે સમગ્ર રાજ્યમાં પ્રી-સ્કૂલ રેગ્યુલેટરી ઓથોરિટી અમલી કરાશે. આવનારા સમયમાં સ્કૂલોની માફક પ્રી-પ્રાઇમરી શરુ કરવા માટે પણ ઓથોરિટી મંજૂરી લેવી ફરજિયાત રહેશે. પ્રી-સ્કૂલ રેગ્યુલેટરી ઓથોરિટીનો મુસદ્દો હાલમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં અંતિમ મજૂરી માટે છે, ટૂંક સમયમાં મુખ્યમંત્રીના સુધારા વધારા સાથે જાહેર કરાશે. ઓથોરિટી વર્ષ – 2023થી અમલી કરાય તેવી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં નવી શિક્ષણ દર ત્રણ વર્ષે મંજૂરી રિન્યૂ કરાવવાની રહેશે પહેલા તબક્કામાં પ્રી-પ્રાઇમરી સંચાલકોને સરળતાથી પ્રિ- પ્રાઇમરી સ્કૂલો શરૂ કરવા માટેની મંજૂરી અપાશે. ત્યારબાદ બિલ્ડીંગ અને સ્થળમાં જરૂરી સુધારા વધારા કરવા જણાવાશે. સંચાલકોએ દર ત્રણ વર્ષે પ્રી-પ્રાઈમરી સ્કૂલની મંજૂરી રિન્યૂ કરાવવાની રહેશે.જો સંચાલક સુચવેલા સુધારા વધારા નહીં કરે તો તેની મંજૂરી રિન્યૂ કરાશે નહીં, ત્રણ વર્ષ પછી મંજૂરી રદ્દ પણ થઇ શકે છે. નીતિ લાગુ કરવા માટે સરકાર દ્વારા નવી નવી યોજનાઓ લાગુ કરાઇ રહી છે. જે અંતર્ગત અત્યાર સુધી જે પ્રી-પ્રાઈમરી સ્વતંત્ર હતી. તેને શિક્ષણ વિભાગની સાથે મહિલા અને બાળ વિકાસ દ્વારા નિયંત્રીત કરાશે. આ માટે સરકારીની જાહેરાત બાદ પ્રી-પ્રાઈમરી શરુ કરવાની પણ મંજૂરી લેવી ફરજિયાક કરાશે. નવી સ્કૂલો માટે જે પ્રમાણે નિયમો છે તે જ પ્રમાણેના નિયમો પ્રી-પ્રાઈમરી સ્કૂલોની નવી મંજુરી માટે પણ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પ્રી-પ્રાઇમરી સ્કૂલો એક વર્ષે 1 હજારથી 1200 કરોડની કમાણી કરે છે. રાજ્યની પ્રિ- પ્રાઇમરીમાં સ્થાનિક સંચાલકો ઉપરાંત ફ્રેન્ચાઇઝી મોડલ પણ ચાલી રહ્યાં છે. અત્યાર સુધી રાજ્યમાં પ્રી-પ્રાઈમરી માટે કોઇ નક્કી કરેલો કોર્સ ન હતો. પરંતુ એન.ઇ.પી મુજબ રાજ્યમાં ધો.1 પહેલા બાલ વાટીકા માટે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન આધારિત કોર્સ ડિઝાઇન કરાયો છે. મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં પહેલીવાર પ્રી-પ્રાઈમરી વિભાગ માટે ચોક્કસ કોર્સ ડિઝાઇન કરાયો છે. કેન્દ્ર તરફથી આવેલા કોર્સને જીસીઇઆરટી દ્વારા રાજ્યની સ્કૂલો માટે તૈયાર કરાયો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રી-સ્કૂલ રેગ્યુલેટરી ઓથોરિટીમાં રાજ્ય સ્તરે પ્રાથમિક શિક્ષણ નિયામક અને જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની ભૂમિકા મુખ્ય રહેશે. હાલમાં સ્કૂલોની મંજૂરીની માફક ચોક્કસ ચોરસ મીટરના રૂમોમાં નક્કી કરેલા વિદ્યાર્થીઓની સંખ્યા જ બેસાડી શકાશે તેની સ્પષ્ટ માહિતી અપાશે. ફ્લેટ, બંગલા કે કોઇપણ સ્થળે પ્રી-પ્રાઇમરીના સંચાલકો માટે સ્પષ્ટ ગાઇડલાઇન રહેશે. હાલમાં રાજ્યમાં બે પ્રકારની પ્રી-પ્રાઇમરી સ્કૂલો ચાલી રહી છે. એક જે સ્વતંત્ર, ફ્રેન્ચાઇઝી મોડલ આધારિત છે અને બીજી એક જ નામની પ્રાથમિક સ્કૂલ સાથે જોડાયેલ છે. સ્વતંત્ર પ્રી-પ્રાઇમરી સ્કૂલો પર શિક્ષણ વિભાગનો કોઇ જ અંકુશ નથી, ત્યાં સુધી કે તેઓને એડમિશન, ફી સંબંધિત મુદ્દા, ડોનેશન, બિલ્ડીંગ, એક વર્ગ ખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા, ઇત્તર પ્રવૃત્તિની ફી વગેરે પર શિક્ષણ વિભાગ કોઇ પગલા લઇ શકતા નથી. પ્રી-સ્કૂલ રેગ્યુલેટરી ઓથોરિટીના અમલી બાદ નવી શરૂ થનારી પ્રી-પ્રાઈમરી સ્કૂલોની સાથે જૂની અને સ્થાઇ થયેલી પ્રી-પ્રાઈમરીના સંચાલકોને પણ સરકારની મંજૂરી લેવી પડશે.