મૃતક વ્યક્તિઓના આધારકાર્ડને નિષ્ક્રિય કરવા મામલે સરકારની વિચારણા
નવી દિલ્હીઃ દેશમાં આધાર કાર્ડ આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે ઉભરી આવ્યું છે. આધાર કાર્ડ વિના કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવા, મુસાફરી, શાળા-કોલેજમાં પ્રવેશ, બેંક ખાતું ખોલાવવા વગેરેમાં મુશ્કેલીઓ આવી શકે છે. આધાર કાર્ડ જારી કરનાર સંસ્થા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, દેશના લગભગ તમામ પુખ્ત વયના લોકો માટે આધાર કાર્ડ બનાવવામાં આવ્યું છે. પરંતુ UIDAIએ મૃત વ્યક્તિના આધારને નિષ્ક્રિય કરવાની સુવિધા આપી નથી, પરંતુ સરકાર હવે તેના પર વિચાર કરી રહી છે.
એક અહેવાલ મુજબ, સરકાર મૃતકના આધારને નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા પર કામ કરી રહી છે. હાલમાં, મૃતકોના આધારના દુરુપયોગને રોકવા માટે, સરકાર તેના આધાર (આધાર લોક સુવિધા)ને લોક કરવાની સુવિધા પૂરી પાડે છે. ભારતના રજિસ્ટર જનરલે UIDAI પાસે આ બાબતે કેટલાક સૂચનો માંગ્યા છે, જેથી તે જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ, 1969ના નિયમોમાં ફેરફાર કરીને મૃત વ્યક્તિના આધારને નિષ્ક્રિય કરી શકે. આ માટે, રજિસ્ટર જનરલ ઓફ ઈન્ડિયા મૃત્યુ પ્રમાણપત્ર જારી કરી શકે છે જેથી મૃતકના સંબંધીઓને આધાર રદ કરાવવામાં કોઈ મુશ્કેલી ન પડે. મૃત્યુ પ્રમાણપત્ર બનાવતી વખતે મૃતકના પરિવારના સભ્યોને આધાર કાર્ડની વિગતો આપવી જરૂરી રહેશે.
ઉલ્લેખનીય છે કે, સરકાર આધારને નિષ્ક્રિય કરવાની સુવિધા લાવવાની યોજના બનાવી રહી છે કારણ કે હવે UIDAIએ જન્મ સમયે આધાર કાર્ડ બનાવવાની સુવિધા શરૂ કરી છે. આ માટે માત્ર બાળકનું ચિત્ર અને સરનામું જરૂરી છે.