ગાંધીનગરઃ ગુજરાતમાં નાના-મોટા શહેરોમાં 225 જેટલી જીઆઈડીસી આવેલી છે. જેમાં ઘણા શહેરોમાં તો વર્ષોથી જીઆઈડીસી આવેલી છે. જેમાં ઘણાબધા લઘુ ઉદ્યોગો ધમધમી રહ્યા છે. વર્ષો પહેલા જીઆઈડીસી જે તે શહેરની બહાર સ્થાપિત કરવામાં આવી હતી, પરંતુ શહેરોમાં વસતીમાં વધારો થતાં તેનો વિસ્તાર પણ વધ્યો છે. એટલે આજે હાલત એવી થઈ છે. કે જીઆડીસી શહેરની મધ્યમાં આવી ગઈ છે. જેમાં લીધે શહેરીજનોને અવાજ અને વાયુ એમ બન્ને પ્રદુષણનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત ટ્રક સહિત મોટા વ્હીકલને પણ શહેરની મધ્યમાં આવેલી જીઆડીસીમાં આવતા મુશ્કેલી પડતી હતી. આથી સરકારે 48 જેટલી જીઆઈડીસીને શહેરની બહાર ખસેડવાની વિચારણા હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ સાથે ઔદ્યોગિક વિકાસ આગળ વધી રહ્યો છે. મોટા ઉદ્યોગો સાથે નાના ઉદ્યોગો પણ સ્થપાય તે માટે રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. ઉદ્યોગોને માળખાકીય સુવિધા મળી રહે તેટલા માટે પણ સરકાર દરેક જીઆઇડીસીને પાણી, વીજળી અને રોડ, ગટર વ્યવસ્થા પુરી પાડવા મક્કમ છે, પણ હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે,વર્ષો પહેલા જે જીઆઇડીસીઓ હતી તે જીઆઇડીસીઓ શહેરની વચ્ચે આવી ગઇ છે. આવી 48 જેટલી જીઆઇડીસીઓને શહેરની બહાર ખસેડવાની સરકારે કવાયત હાથ ધરી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ 225 જેટલી જીઆઇડીસી જેમાં આશરે 68,500 ઉદ્યોગો ચાલી રહ્યા છે. કુલ 225 જીઆઇડીસી પૈકી સૌથી વધુ સૌરાષ્ટ્ર-કચ્છમાં 36 ટકા , અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં 25 ટકા, દક્ષિણ ગુજરાતમાં 12 ટકા અને મધ્ય ગુજરાતમાં 27 ટકા જીઆઇડીસી આવેલી છે. જેમાંથી 48 જીઆઇડીસી એવી છે કે જે શહેરની વચ્ચે આવી ગઇ છે. જેથી માલ હેરફેરમાં પણ મુશ્કેલી પડી રહી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગરમાં જીઆઇડીસી અને ઔદ્યોગિક એરિયા શહેરની વચ્ચે આવી ગયા છે. શહેરની વચ્ચે આવી ગયા હોવાથી એક તો શહેરના પ્રદૂષણમાં વધારો કરે છે. ઉપરાંત ઉદ્યોગોને પણ માલની હેરફેર કરવામાં સમસ્યા ઉભી થાય છે. શહેરોના ટ્રાફિકને કારણે માલસામાનની હેરફેરમાં સમય અને શકિત બંને વેડફાય છે. મોટા શહેરોમાં આગામી દિવસોમાં પ્રદૂષણને ઘટાડવા માટે ઔદ્યોગિક વિસ્તાર પણ શહેરની બહાર ખસેડવો પડે તેમ છે. પ્રદૂષણ ઘટાડવા માટેના આશયથી રાજ્ય સરકાર આ જીઆઈડીસીને શહેરી વિસ્તારમાંથી બહાર ખસેડવામાં સરકાર વિચાર કરી રહી છે અને તે અંગેની શક્યતાઓની હાલ તપાસ કરવામાં આવી રહી છે.જોકે આ બાબતે હજુ કોઇ સત્તાવાર નિર્ણય લેવાયો નથી પણ સરકાર આ નિર્ણય લેવા માટે મક્કમ છે.