Site icon Revoi.in

ગુજરાતમાં જંત્રીના દર વધારવા સરકારની હિલચાલ

Social Share

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી જંત્રીના દરમાં વધારો કરવાની વિચારણા ચાલી રહી છે. સરકારે ક્યા વિસ્તારોમાં કેટલો જંત્રી દર વધારવો જોઈએ તેનો સર્વે પણ કરાવી લીધો છે. ઘણા વિસ્તારો એવા છે. કે, દસ્તાવેજો જંત્રી પ્રમાણે થાય છે, પણ મિલકતોના દર વધુ છે, તે પ્રમાણે દસ્તાવેજો થયા નથી તેથી સરકારને નુકશાન થઈ રહ્યું છે. ગુજરાત સરકાર ચાલુ સપ્તાહમાં જ જંત્રીના નવા દરોની જાહેરાત કરી શકે છે. અગાઉ 2023માં જંત્રીના દરો એકસમાન રીતે આખાં રાજ્યમાં બમણાં કર્યા બાદ, કંસ્ટ્રક્શન વ્યવસાયીઓએ સરકારને વૈજ્ઞાનિક ઢબે જંત્રી દરો નક્કી કરવા જણાવ્યું હતું. જે બાદ સરકારે આ દરખાસ્ત સ્વીકારી હવે નવેસરથી સાયન્ટિફિક પદ્ધતિને આધારે નવેસરથી જંત્રીદર જાહેર કરવાનું નક્કી કર્યું હતું. આ પછી મહેસૂલ વિભાગે પોતાના અભ્યાસ બાદ નવા જંત્રીદરો નક્કી કર્યાં છે.

ગાંધીનગર સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રીની મંજૂરી માટે હાલ આ ફાઇલ સીએમઓ પહોચી ગઈ છે. અને આજકાલમાં જ જંત્રીના નવા દરો અંગે જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે આ નવાં જંત્રીદરો અંગે સંબંધિત લોકો પોતાનો અભિપ્રાય આપી શકશે. આ અભિપ્રાયોને આધારે સરકાર આખરી દરો નક્કી કરશે. ગત વર્ષે બમણાં જંત્રી દરો લાગુ થયા બાદ એ મુજબનો અસંતોષ ઉઠ્યો હતો કે જ્યાં જમીનોના બજાર ભાવ આસમાને છે, ત્યાં જંત્રી દરો બમણાં કર્યે પણ કોઇ ખાસ ફરક પડતો નથી. તેની સામે હજુ નવાં વિકસતા વિસ્તારોમાં બજાર ભાવ અને જંત્રી દરોમાં વધુ ફરક ન હોવાથી ત્યાં જંત્રીદરો બમણાં કરાતાં અસંતુલન ઊભું થાય તેમ છે. આ બાબતે સરકારે ત્વરિત નવાં જંત્રીદરો લાગુ કરવાને બદલે થોડો સમય માટે સ્થગિત કર્યો હતો. હવે નવાં જંત્રી દરો આવતાં કેટલાંક વિસ્તારોમાં જંત્રીના દરોમાં ઘટાડો થશે જ્યારે અમુક વિસ્તારોમાં આ દરમાં વધારો આવી શકે છે.