કેરાલાના રાજ્યપાલે કહ્યું : રાષ્ટ્રીય સહમતિના કારણે રાજ્યપાલ કુલપતિનું પદ સંભાળે છે, રાજ્ય સરકારોની ઈચ્છાથી નહીં.
કેરાલા: રાજ્યમાં કુલપતિઓની નિમણૂકનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું છે કે, “યુનિવર્સિટીમાં કુલપતિની નિમણૂક રાજ્ય સરકારની ઈચ્છાથી નહીં પણ રાષ્ટ્રીય સર્વસંમતિથી થઈ છે. યુનિવર્સિટીની નિમણૂકોમાં ભત્રીજાવાદને મંજૂરી આપી શકાય નહીં. જો રાજ્યના મુખ્યમંત્રીને હાલમાં આ નિમણૂક અંગે શું ચાલી રહ્યું છે, તેની માહિતી ના હોય, તો તેઓ મુખ્યમંત્રી તરીકે અસમર્થ ગણી શકાય!”
શું છે મામલો?
હકીકતે, કેરાલાના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નિયમોની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશને ધ્યાનમાં રાખીને નવ રાજ્ય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરોને 24 ઓક્ટોબર સુધીમાં રાજીનામું આપવા કહ્યું હતું. રાજ્યપાલના આ આદેશ બાદ કેરાલા સરકારે રાજભવનની બહાર વિરોધ પ્રદર્શન કરવાની ધમકી આપી હતી. જે અંગે રાજ્યપાલ ગુસ્સે થયા હતા અને તેમણે નિવેદન આપ્યું હતું કે કેરાલાના અસ્તિત્વ પહેલાં પણ અહીં રાજ્યપાલ યુનિવર્સિટીઓના કુલપતિ હતા. આ વાત રાષ્ટ્રીય સર્વસંમતિથી અમલમાં આવી છે. આ અંગે રાષ્ટ્રીય સંમેલન શા માટે વિકસિત થયું હતું? કારણ, યુનિવર્સિટીઓમાં વહીવટી હસ્તક્ષેપ ન થાય અને તેમની સ્વાયત્તતા સુરક્ષિત રહે. અને તેથી જ હાલમાં પણ તમે કોઈપણ રાષ્ટ્રીય સંમેલન અથવા રાષ્ટ્રીય સર્વસંમતિને તોડી શકવા અસમર્થ છો.
રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં ચાલી રહેલા વિવાદોમાંથી યુનિવર્સિટીઓએ બહાર આવવું હોય તો, તેમણે પોતે જ પોતાની પ્રાચીન ભવ્યતા હાંસિલ કરવી પડશે. ભાઈ- ભત્રીજાવાદમાંથી તેમણે જાતે મુક્ત થવું પડશે. તેમણે કહ્યું કે ચાન્સેલર તરીકેની તેમની ફરજ એ સુનિશ્ચિત કરવાની હતી કે યુનિવર્સિટીઓમાં એક્ઝિક્યુટિવ હસ્તક્ષેપ ન થાય અને આ જ કારણ છે કે રાજ્યપાલો તેમના હોદ્દાની રુએ કુલપતિ તરીકે ચાલુ રહે છે.
(ફોટો: ફાઈલ)