1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતી NCC ગર્લ કેડેટ્સની કન્યાકૂમારીથી દિલ્હીની સાયકલ રેલીનું રાજ્યપાલે કર્યું સ્વાગત
ગુજરાતી NCC ગર્લ કેડેટ્સની કન્યાકૂમારીથી દિલ્હીની સાયકલ રેલીનું રાજ્યપાલે કર્યું સ્વાગત

ગુજરાતી NCC ગર્લ કેડેટ્સની કન્યાકૂમારીથી દિલ્હીની સાયકલ રેલીનું રાજ્યપાલે કર્યું સ્વાગત

0
Social Share

ગાંધીનગરઃ કન્યાકુમારીથી નવી દિલ્હી સુધીની 3,232  કિલોમીટરની ગુજરાત એન.સી.સી.ની ગર્લ કેડેટ્સની સાયકલ રેલીનું રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ સોમવારે ગાંધીનગરમાં-રાજભવનમાં સ્વાગત સન્માન કર્યું હતું. ગુજરાતની 14 એન.સી.સી. ગર્લ્સ કેડેટ્સ તા. 8મી ડિસેમ્બરે કન્યાકુમારીથી સાયક્લોથોન સ્વરૂપે નીકળી છે. દરરોજ 108 કિલોમીટરનું અંતર કાપીને આ દીકરીઓ તા.  27મી જાન્યુઆરીએ નવી દિલ્હી પહોંચશે, જ્યાં પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી તેમનું સ્વાગત કરશે.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ સાયક્લોથોન-સાયકલ રેલીમાં ભાગ લઈ રહેલી દીકરીઓના અદમ્ય સાહસની સરાહના કરતાં કહ્યું કે, પ્રચંડ આત્મવિશ્વાસથી ગુજરાતની દીકરીઓએ ઇતિહાસ રચ્યો છે. આ સિદ્ધિ આજીવન માનસપટ પર અંકિત રહેશે. તેમણે દીકરીઓના માતા-પિતા અને પ્રશિક્ષકોને પણ દીકરીઓને આ અદમ્ય સાહસ માટે પરવાનગી અને પ્રોત્સાહન આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે આદિકાળથી નારીઓ-કન્યાઓએ પુરુષો સામે પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ અને સાબિત કરી છે. શાસ્ત્રોમાં વિદ્યાની ઓળખાણ સરસ્વતી છે, વીરતાનું પ્રતીક દુર્ગા છે અને પાલનહાર કરનાર જગતજનની જગદંબા છે. પ્રાચીનકાળમાં નારીઓને બ્રહ્માનું સ્થાન આપવામાં આવ્યું હતું. મધ્યકાળમાં વિદેશી આક્રાંતાઓના સમયમાં મહિલાઓનો વિકાસ રૂંધાઈ ગયો હતો. બહેન-દીકરીઓ પર પ્રતિબંધો આવ્યા. હવે પુનઃ વર્તમાનમાં ભારતમાં બહેન, દીકરીઓ, માતાઓ દરેક ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરી રહી છે પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં મહિલાઓને અનામત આપવામાં આવી, સીમા પર બહેનો-દીકરીઓ રાષ્ટ્રની રક્ષા કરી રહી છે. બહેનોએ સખત પરિશ્રમ અને કર્તવ્યનિષ્ઠાથી પોતાની આગવી ઓળખ ઊભી કરી લીધી છે. એન.સી.સી. ગર્લ કેડેટ્સની આ સાયકલ રેલી દેશની યુવા પેઢીને પ્રેરણા આપશે એમ તેમણે કહ્યું હતું. તેમણે ભાગ લઈ રહેલી તમામ દીકરીઓને  પોતપોતાના અનુભવો લખવા અને તમામ અનુભવોનું એક સંકલિત પુસ્તક પ્રસિદ્ધ કરવા સૂચન કર્યું હતું. આ પુસ્તક અનેક લોકો માટે પ્રેરણાદાયી બની શકશે.

‘મહિલા શક્તિની અભેદ સફર’ના સૂત્ર સાથે શરૂ થયેલી ગુજરાતની કન્યાઓની સાયકલ રેલી અત્યાર સુધીમાં તામિલનાડુ, કેરલ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્ર રાજ્યમાં થઈને ગુજરાત પ્રવેશી છે. તા. 6ઠ્ઠી જાન્યુઆરીએ ભારતીય ટીમની પેરા સાઈકલિસ્ટ  સુશ્રી ગીતા એસ. રાવે અમદાવાદમાં આ સાયકલ રેલીનું સ્વાગત કર્યું હતું. વાયબ્રન્ટ ગુજરાતથી નીકળીને રાજસ્થાન અને હરિયાણા થઈને આ સાયકલ રેલી તા. 27મી જાન્યુઆરીએ નવી દિલ્હી પહોંચશે. સાયકલ રેલીના માર્ગમાં આવતા ગામો અને શહેરોમાં ગુજરાત એનસીસી ગર્લ કેડેટ્સ સામાજિક જાગૃતિ માટે પ્રયત્નો કરી રહી છે.

આજે રાજભવનમાં આ સાયકલવીર કન્યાઓને સન્માનવાના અવસરે ગર્લ કેડેટ માર્ગી પારગીએ સાયકલ રેલીના પોતાના અનુભવો કહ્યા હતા. એનસીસી, ગુજરાતના એડિશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ  રમેશ ષણ્મુગમે રાજ્યપાલને સાયકલ રેલીનું સ્મૃતિચિન્હ અર્પણ કર્યું હતું. ટીમ કમાન્ડર બ્રિગેડિયર  નરેન્દ્ર ચરાગ, એન.સી.સી. અમદાવાદના બ્રિગેડિયર  એન. વી. નાથ, ગુજરાતના કમાન અધિકારી કર્નલ પ્રવીણ ઐયર અને એન.સી.સી.ના અધિકારીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code