રાજભવન ખાતે મુંદ્રાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને રાજ્યપાલની શાબાશી સહ માર્ગદર્શન
મુંદ્રા સ્થિત અદાણી ફાઉન્ડેશન પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર માટે સતત પ્રયત્નશીલ છે. ખેડૂતો પ્રાકૃત ખેતી અપનાવતા થાય અને લોકોને કેમીકલ ખાતર મુક્ત ખોરાક મળી રહે તેવા ઉમદા ઉદ્દેશને સાકાર કરવા ફાઉન્ડેશને બીડું ઝડપ્યું છે. આ સંદર્ભે મહત્વપૂર્ણ માર્ગદર્શન મેળવવા ગુરૂવારે ગુજરાતના રાજયપાલની રૂબરૂ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો સાથે ચર્ચા કરી ખેત ઉત્પાદનમાં લાભકારી સલાહ સૂચનો આપ્યા હતા.
કચ્છની સૌ પ્રથમ શ્રીરાજશક્તિ પ્રાકૃતિક ખેતી સહકારી મંડળીના ખેડૂતોએ રાજયપાલશ્રીની રૂબરૂ મુલાકાતમાં પ્રાકૃતિક ખેત ઉત્પાદન વધારવા માર્ગદર્શન મેળવ્યું. ઝેરમુક્ત અને ભયમુક્ત અનાજ પકવવા ચાલી રહેલી મુહિમને દેવવ્રતજીએ બિરદાવી હતી. ખેડૂતોએ પોતાના પ્રાકૃતિક ઉત્પાદનો દેવવ્રતજીને અર્પણ કરી પ્રાકૃતિક ખેતીના અનુભવોનું આદાન-પ્રદાન કર્યું હતું. આ મુલાકાત બાદ ખેડૂતોમાં નવી ઉર્જાનો સંચાર થયો હતો.
ખેડૂતોને અભિનંદન આપતા રાજ્યપાલે જણાવ્યું હતું કે “ખેડૂતોમાં મનમાં વાવેલા પ્રાકૃતિક ખેતીના વિચારો આજે મને ઊગી રહેલા દેખાય છે. મને પ્રાકૃતિક ખેતી કરતો ખેડૂત કદી દુ:ખી જોવા નથી મળ્યો. આપ સૌ ખેતી કામ કરતી બહેનોને સાથે લાવ્યાં તે બદલ અભિનંદન આપું છું“. તેમણે ઉમેર્યુ હતું કે “બહેનો એકવાર જે નક્કી કરી લે છે તેને જીવનભર પાળે છે. આપ સૌમાં રહેલો પ્રકૃતિ પ્રેમ રાજભવન સુધી ખેંચી લાવ્યો છે“. તદુપરાંત જે ખેડૂતોની ખેતરનો ઓર્ગેનિક કાર્બન 2.0 થી વધુ છે તેઓને અભિનંદન આપ્યા હતા.
દેવવ્રતજીએ મુંદ્રા તાલુકાને પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવાની સામુહિક જવાબદારી ઉપાડવા ખેડૂતોને આહૃવાન કર્યુ હતું. એટલું જ નહીં, પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો જીવામૃત, ઘન જીવામૃત, અળસિયા, આચ્છાદન અને પંચગવ્ય ઘરે જ બનાવી ખેતીમાં તનો ઉપયોગ કરી ઉત્તમ ઉત્પાદનો મેળવવા સૂચન કર્યુ હતું.
આ મુલાકાત માટે મુંદરા-માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ ખેડૂતોને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું, તેમણે જણાવ્યું હતું કે “કચ્છ દરેક બાબતની પહેલ કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે ત્યારે મને વિશ્વાસ છે કે આપણા ખેડૂતો આ બાબતે પાછીપાની નહીં કરે. આપના ઉત્પાદનોને ઉત્તમ બજાર મળી રહે તે માટે આપણે સૌ સહિયારા પ્રયાસો કરીશું“.
આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના ગુજરાત સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહે રાજયપાલશ્રીને આભાર સહ ખાતરી આપતા જણાવ્યું હતું કે “પ્રકૃતિ પ્રત્યેનું ઋણ અદા કરવામાં અદાણી પરિવાર ક્યારેય પાછીપાની નહીં કરે. હેમેશા ખેડૂતોની પડખે રહીને ઉધોગગૃહના સામાજિક ઉત્તરદાયિત્વને નિભાવશે“.
ખેડૂતોએ ગૌવંશ આધારિત ખેતી માટે બંસી ગીર ગૌશાળા ખાતે ગોપાલ સુતરીયા પાસેથી પણ માર્ગદર્શન મેળવ્યું હતું. એટલું જ નહીં, દેશવિદેશમાં પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની માંગ વધી રહી છે ત્યારે તેની વેચાણ વ્યવસ્થાને સમજવા અમદાવાદ સ્થિત “સૃષ્ટિ ઇનોવેશન” ની મુલાકાત પણ લીધી હતી. જગતનો તાત જ્યારે ધરતીમાતાને ઝેરમુક્ત રાખીને અનાજ, શાકભાજી અને ફળો પકવશે ત્યારે જ સમાજ ભયમુક્ત ખોરાકને પામી શકશે.
અદાણી ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલ પહેલોના પરિણામે શ્રીરાજશક્તિ પ્રાકૃતિક ખેતી સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવી હતી. 3૦ ખેડૂતોથી શરૂ કરાયેલી સંસ્થા આજે 225થી વધુ સભ્ય સંખ્યા સાથે પ્રગતિના પંથે છે.