Site icon Revoi.in

અમદાવાદમાં રિક્ષાચાલકોની ભાડાં વધારાની માગ સરકારે સ્વીકારી, હવે મિનીમમ ભાડું રૂ.20 કરાયું

Social Share

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સાથે સીએનજીના ભાવમાં પણ તોતિંગ વધારો થયો હતો. કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થોડો ઘટાડો કરીને આંશિક રાહત આપી છે. પણ સીએનજીના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. બીજીબાજુ અમદાવાદ સહિત મહાનગરોના રિક્ષાચાલકો મીટરના ભાડામાં વધારો કરવાની માગણી કરી રહ્યા હતા. અને અમદાવાદમાં તો રિક્ષા ભાડામાં વધારો કરવા રિક્ષાચાલકો હડતાળ પણ પાડી હતી. ત્યારબાદ અમદાવાદના  વિવિધ રિક્ષા ચાલક યુનિયનોની ભાડા વધારવાની માંગને વાટા-ઘાટો બાદ સરકારે સ્વીકારી લીધી છે. જે મુજબ હવે 1.2 કિલોમીટર માટે મિનિમમ ભાડુ 20 રૂપિયા રહેશે. જ્યારે પ્રતિ કિલોમીટરનું ભાડું પણ વધારીને 15 રૂપિયા કરવામાં આવ્યું છે. રિક્ષા ભાડામાં કરાયેલો આ ભાવ વધારો 10મી જૂનથી લાગુ થશે. આ નિર્ણય બાદ હવે મોંઘવારીનો માર સહન કરતા લોકોને રિક્ષામાં મુસાફરી પણ વધુ મોંઘી થઈ જશે.

અમદાવાદ શહેરમાં સરકારે રિક્ષાચાલકોની ભાડા વધારાની માગણીને મંજુર કરીને ભાડામાં વધારો કરી આપ્યો છે. આથી શહેરમાં હવે રિક્ષાની મુસાફરી મોંઘી પડશે. રાજ્ય સરકારે અમદાવાદના રિક્ષાચાલકોને મિનિમમ ભાડુ તથા કિલોમીટર દીઠ ભાડામાં 2-2 રૂપિયાનો વધારો કરવાની મંજૂરી આપી છે. એટલે કે જો કોઈ મુસાફર રિક્ષામાં મુસાફરી કરે છે તો તેને કિલોમીટર દીઠ 2 રૂપિયા વધુ ચૂકવવા પડશે. હકીકતમાં રિક્ષા ચાલકોએ મિનિમન ભાડુ રૂ.30 તથા કિલોમીટર દીઠ રૂ.15નું ભાડું વધારવાની માંગ કરી હતી.

સરકારના અમદાવાદના રિક્ષાચાલકોને ભાડાં વધારી આપતા સરકારના આ નિર્ણય સાથે રિક્ષા એસોસિએશનોએ પણ સંમતિ દર્શાવી છે. હવે આગામી 31મી માર્ચ 2023 સુધી CNG ગેસના ભાવમાં વધારો થાય કે ગેસ પર સરકારનો ટેક્સ વધે તો પણ રિક્ષા ભાડું નહીં વધારવાની પ્રમુખોએ ખાતરી આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી રિક્ષા ચાલકો દ્વારા CNG ગેસના ભાવમાં વધારા સામે ભાડું વધારવાની માંગ કરવામાં આવી રહી હતી. જેના પરિણામે હડતાલ અને આંદોલન પણ કર્યા હતા. ત્યારે આખરે સરકાર દ્વારા તેમની માંગણી પર વાટા-ઘાટ કરીને 2-2 રૂપિયાનો ભાવ વધારો કરવાની મંજૂરી આપવામાં આવી હતી.