# મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપેલા દિશાદર્શનને પગલે પાંચ મંત્રીઓએ કર્મચારી મંડળો સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજીને કર્યો નિર્ણય,
# રાજ્ય સરકારના કર્મીઓને કેન્દ્રના ધોરણે 7માં પગાર પંચના બાકી ભથ્થા તાત્કાલિક અસરથી લાગુ કરવા આવશે
# ગુજરાતમાં 1લી એપ્રિલ 2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને GPF અને જૂની પેન્શન યોજનામાં સમાવાશે
# કેન્દ્રના કર્મચારીની જેમ 10. 20, 30 નું ઉચ્ચતર પગાર ધોરણ અપાશે: કર્મચારીઓને રૂ.300 ને બદલે રૂ.1000 મેડિકલ ભથ્થુ અપાશે
# મહિલા કર્મચારીઓની નોકરીનો સમયગાળો ધ્યાને લીધા સિવાય મૂળ નિમણૂક તારીખથી જ છ મહિનાની પ્રસૂતિ રજા આપવામાં આવશે
# સરકારી કર્મચારીઓનું ચાલુ ફરજે અવસાન થાય તેવા કિસ્સામાં ઉચ્ચક નાણાકીય સહાય રૂ.8 લાખ અપાતી હતી તે વધારીને રૂ.14 લાખ કરાઈ
# આગામી આંદોલનાત્મક તમામ કાર્યક્રમો મોકૂફ રાખવા કર્મચારી મંડળોનો નિર્ણય
ગાંધીનગરઃ રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ જે રજૂઆતો કરવામાં આવી હતી તે સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે અંદાજે નવ લાખ કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં નિર્ણયો લેવામાં આવ્યા છે તે મુજબ રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે સાતમા પગાર પંચના બાકી રહેલા તમામ ભથ્થાઓ તાત્કાલીક અસરથી લાગુ કરવામાં આવશે. તેમ રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કર્મચારીઓના પ્રશ્નો સકારાત્મક નિરાકરણ સંદર્ભે મંત્રી મંડળના સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈ, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, ગ્રામ વિકાસ રાજય મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલની સમિતિએ કર્મચારી મંડળના હોદ્દેદારો સાથે મેરેથોન બેઠકો યોજીને સુખદ સમાધાન આવ્યું છે જેના પરિણામે આ મહત્વના નિર્ણયો લેવાયા છે.
પ્રવકતા મંત્રીએ મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, 7માં પગાર પંચના બાકી ભથ્થા તાત્કાલિક અસરથી લાગુ કરવા આવશે આ તમામ લાભો કેન્દ્રના ધોરણે આપવામાં આવશે. કેન્દ્રના ધોરણે તા. 1-04-2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવશે. ઉપરાંત સી.પી.એફમાં 10ટકાને બદલે 14 ટકા સરકાર દ્વારા ઉમેરવામાં અંગે પણ અતિ મહત્વપૂર્ણ કર્મચારી હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં, વર્ષ 2009 ના કેન્દ્ર સરકારના ઠરાવ મુજબ કર્મચારીના મૃત્યુના કિસ્સામાં કેન્દ્રના ધોરણે કુટુંબ પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે. રહેમરાહે નિમણૂક પામેલા તમામ કર્મચારીની નોકરી મૂળ નિમણૂક તારીખથી તમામ લાભો માટે સળંગ ગણવામાં આવશે. શૈક્ષણિક કેડર સિવાયના તમામ કર્મચારીઓને કેન્દ્રના કર્મચારીની જેમ 10,20,30 નું ઉચ્ચતર પગાર ધોરણ આપવા ઠરાવ કરવામાં આવશે.
કર્મચારીઓને રૂ.300 ને બદલે રૂ.1000 મેડિકલ ભથ્થુ આપવામાં આવશે. જે સરકારી કર્મચારીઓનું ચાલુ ફરજે અવસાન થાય તેવા કિસ્સામાં અપાતી ઉચ્ચક નાણાકીય સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. ઉચ્ચક નાણાકીય સહાય રૂ.8 લાખ અપાતી હતી તે વધારીને રૂ.14 લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ સરકારી કર્મચારીઓને બઢતી માટે આવશ્યક એવી પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં પણ વિશેષ રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં મુક્તિ માટે 50 ટકા પરિણામે કર્મચારીને પાસ ગણવામાં આવશે તેમજ આ પરીક્ષામાં અંગ્રેજીનું પ્રશ્નપત્ર પણ રદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે,કર્મચારીઓને નિવૃત્તિ સમયે કોમ્યુટેડ પેન્શનના વ્યાજના દર અને મુદતમાં ઘટાડા સાથે 15 વર્ષના 180 હપ્તાને બદલે 13 વર્ષના 156 હપ્તામાં ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પરિણામે પ્રત્યેક કર્મચારીઓને નિવૃત્તિ સમયે અંદાજિત રૂ.6 લાખ જેટલો સંભવતઃ ફાયદો થશે. સીસીસી પરીક્ષાની મુદ્દત ડિસેમ્બર-2024 સુધી લંબાવવામાં આવશે. આ ઉપરાંત જૂથ વીમા કપાતની રકમના સ્લેબમાં વધારો કરવા ઉપરાંત તે પ્રમાણે વીમા કવચ પણ વધારવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.
મહિલા કર્મચારીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે લીધો છે જે અંતર્ગત મહિલા કર્મચારીઓની નોકરીનો સમયગાળો ધ્યાને લીધા સિવાય મૂળ નિમણૂક તારીખથી જ 180 દિવસ એટલે કે છ મહિનાની પ્રસૂતિ રજા આપવામાં આવશે.
તેમણે કહ્યું કે,વર્ષ 2006 પછીની ફિક્સ પગારની નીતિથી ભરતી થયેલા તમામ કર્મચારીને પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી તા.18 જાન્યુઆરી 2017 ના ઠરાવ મુજબ સળંગ ગણવા અંગેનો લાભ આપવામાં આવે છે. પરંતુ વર્ષ 2006 પહેલાના ફિક્સ પગારની નિતીમાં જેટલી કેડરનો સમાવેશ કરવામાં આવ્યો છે તે તમામ કેડરને પ્રાથમિક શિક્ષકોની જેમ બાકી રહેલા તમામ સરકારી કર્મચારીઓ તેમજ ગ્રાન્ટ ઇન એડ શિક્ષકોને તા.1લી એપ્રિલ 2019 ની અસરથી સેવાઓ સળંગ ગણવામાં આવશે.
આ ઉપરાંત રાજ્યની નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને 4200 ગ્રેડ પે આપવામાં આવશે. તા.27 એપ્રિલ 2011 પહેલા ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકોને નિવૃત્તિ સાથે પુરા પગારમાં સમાવવામાં આવશે