ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરમાં વધારો કરવાની વિચારણા ચાલી રહી છે, 12 વર્ષ પછી ગત વર્ષે જંત્રીના દરમાં વધારો કર્યો હતો. હવે ફરીવાર સરકાર જંત્રીના ભાવમાં વધારો કરી રહી છે, જંત્રી એટલે જમીન કે કોઇ પણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટેને સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં લઘુતમ ભાવ છે, શહેરી વિસ્તારોમાં વિસ્તાર પ્રમાણે જંત્રીના દર અલગ અલગ છે, પોશ ગણાતા વિસ્તારોમાં જંત્રીના ભાવ સૌથી વધુ નિયત કરાયેલા છે. સરકારે જે જંત્રીના દર નક્કી કરેલા હોય તેનાથી ઓછી કિંમતનો દસ્તાવેજ કરી શકાતો નથી. એટલે જંત્રીના દર વધતા સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવક પણ વધી જશે. સાથે જમીન કે મકાનની ખરીદી કરનારા લોકો પર વધુ ભારણ આવશે, તેથી મકાનો ખરીદવા હવે મોંઘા પડે તેવી સ્થિતિ સર્જાશે,
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં 12 વર્ષ પછી ગત વર્ષે જંત્રી દરમાં વધારો કર્યો હતો. હવે ફરી એક વખત રાજય સરકારે જંત્રીના દરમાં વધારો કરશે, તાજેતરમાં ક્રેડાઈ ગુજરાત સાથેની મીટિંગમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દિશામાં આડકતરો સંકેત પણ આપ્યો હતો. તેમણે બિલ્ડરોને કહ્યું હતું કે, તમે જે દસ્તાવેજ કરો છો તે તો જંત્રી રેટ કરતા વધુ ભાવે જ કરી રહ્યાં છે, એટલે જંત્રી પણ બજારભાવ જેટલી જ કરી દેવાની વિચારણા ચાલી રહી છે. અમદાવાદના આંબલી સહિત કેટલાક વિસ્તારોમાં 20 હજાર જંત્રી રેટ છે ત્યાં એક લાખ થઈ જશે. જેના કારણે ફલેટો ખૂબ જ મોંઘા થશે. કેપિટલ ગેઈન ટેક્સમાં વધારો થશે, પ્રોપર્ટી ટેક્સમાં પણ વધારો થશે. રિયલ એસ્ટેટ માર્કેટ પર આની ખૂબ મોટી અસરો સર્જાશે. અને વ્યવહારો ખોરવાઈ જવાની ભીતિ પણ બિલ્ડરોએ વ્યકત કરી છે.
સૂત્રોના કહેવા મુજબ આ પહેલા રાજયમાં વર્ષ 2006માં જંત્રી રેટ માટે સરવે થયો હતો અને અમલ 2008માં થયો હતો. ત્યારબાદ વર્ષ 2011માં ફરી તેમાં સુધારો થયો હતો ત્યારબાદ બાર વર્ષ પછી ગત વર્ષે જંત્રી રેટમાં 100 ટકાનો વધારો કર્યો હતો. જંત્રીનો દર નક્કી કરવા માટે ઘણાં બધાં પરિબળોને ધ્યાને લેવાય છે. જેમાં જમીન, મિલકતનો પ્રકાર, અન્ય સુવિધા, લોકાલિટીને આધાર બનાવવામાં આવે છે. જે તે વિસ્તારની જંત્રી જે તે વિસ્તારના બજાર ભાવ પર નક્કી થાય છે. પ્રૉપર્ટીની માર્કેટ વૅલ્યૂ જેટલી વધારે તેટલી જંત્રીનો દર પણ વધારે હશે. રહેણાંક પ્રૉપર્ટીની જંત્રીનો રેટ ધંધાકીય સંપત્તિ માટેના જંત્રી રેટ કરતાં ઓછો હોય છે. એટલે ફ્લેટ, પ્લોટ, ઓફિસ સ્પેસ કે ઔદ્યોગિક વસાહત પ્રમાણે જંત્રીનો દર નક્કી થાય છે. જો પ્રૉપર્ટીની આસપાસ શોપિંગ મોલ્સ હોય કે મોટા બજાર હોય, સારા રસ્તા હોય, હૉસ્પિટલો નજીક હોય, સ્કૂલો નજીક હોય, બાગબગીચા નજીક હોય તેવા એરિયાનો જંત્રી રેટ ઊંચો હોય છે.