નવી દિલ્હીઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, સરકાર NEET પર ચર્ચા કરવા તૈયાર છે પરંતુ બધું પરંપરા અને મર્યાદામાં હોવું જોઈએ. સંસદ સંકુલમાં પત્રકારો સાથે વાત કરતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, જ્યારે રાષ્ટ્રપતિએ પોતે તેમના ભાષણમાં પરીક્ષા વિશે વાત કરી હતી, ત્યારે તે સરકારનો ઈરાદો દર્શાવે છે કે અમે કોઈપણ મુદ્દાનો સામનો કરવા તૈયાર છીએ. તેમણે કહ્યું કે, સરકારની જવાબદારી દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ પ્રત્યે છે. સરકાર પોતાનું સ્ટેન્ડ રજૂ કરવા તૈયાર છે, તો પછી મૂંઝવણ શું છે?
મંત્રીએ જણાવ્યું હતું કે, NEET કેસમાં દોષિતોને સખતમાં સખત સજા આપવામાં આવશે. સીબીઆઈએ તપાસ શરૂ કરી છે. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. સીબીઆઈએ NEET પેપર લીક સાથે સંબંધિત આરોપીઓની ધરપકડ પણ શરૂ કરી દીધી છે. સરકાર કોઈને પણ છોડશે નહીં. મંત્રીએ કહ્યું હતું કે, એનટીએમાં સુધારા માટે એક વિશ્વસનીય ઉચ્ચ સ્તરીય સમિતિની પણ રચના કરવામાં આવી છે, તે તમામ પરીક્ષાઓની તારીખો પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. હું વિપક્ષને પણ વિનંતી કરું છું કે તેઓ રાજકારણમાંથી બહાર આવીને ચર્ચામાં સામેલ થાય.