ગાંધીનગર : ગુજરાતમાં કૃષિ વિભાગમાં અનેક જગ્યાઓ ખાલી છે. ત્યારે ખેડૂત કલ્યાણકારી યોજનાના અમલ માટે કૃષિ વિભાગના નવા વર્ગ-1 અને 3ની 1120 જગ્યાના મહેકમને મંજૂરી આપવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારનાં નિયમ મુજબ પ્રમોશનથી જગ્યા ભરવાની રહેશે, જ્યારે બાકી રહેતી જગ્યાઓ સીધી ભરતીથી કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના કૃષિ વિભાગમાં વર્ષોથી અનેક જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી કે પ્રમોશનની પણ મંજુરી આપવામાં આવતી નહતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પણ સરકારે વિવિધ ખાતાઓમાં ભરતી કરાશે એવી જાહેરાત કરી હતી. ત્યારબાદ સરકારે તમામ વિભાગિય વડાઓ પાસેથી તેમના તાબામાં કેટલું મહેકમ છે, અને કેટલી જગ્યાઓ ખાલી છે. તેની યાદી મંગાવી હતી. જિલ્લા પંચાયતોમાં ખાલી જગ્યાઓ માટે સેવા પસંદગી મંડળને ભરતીની કામગીરી સોંપવામાં આવી છે. જ્યારે કૃષિ વિભાગમાં પણ કેટલીક જગ્યાઓ સીધી ભરતીથી ભરાશે જ્યારે કેટલીક જગ્યાઓ ખાતાકીય પ્રમોશનથી ભરવામાં આવશે, કૃષિ વિભાગમાં વર્ગ-1 અને 3 ની 1120 જગ્યાઓ ભરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારના નિયમ મુજબ જગ્યાઓ પ્રમોશનથી ભરવાની રહેશે. જ્યારે બાકીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવાની રહેશે. સરકાર દ્વારા નાયબ ખેતી નિયામક વર્ગ-1 ની 2 જગ્યા ભરવામાં આવશે. આ ઉપરાંત ખેત મદદનીશ વર્ગ-3 ની 825 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. જ્યારે જૂનિયર ક્લાર્ક વર્ગ-3ની 293 જગ્યાઓને મંજૂર કરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કૃષિલક્ષી અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. પરંતુ કૃષિ વિભાગમાં અનેક જગ્યાઓ ખાલી હોવાથી એના વહિવટ પર અસર પડતી હતી. કૃષિ યુનિવર્સિટીના સ્નાતકોએ પણ સરકારમાં ભરતીની માગ કરી હતી.ત્યારે રાજ્ય સરકારે આખરે ભરતીની મંજુરી આપી દીધી છે.