1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સરકારી તબીબોની હડતાળ સામે સરકાર ઝૂકી, MBBS ડોક્ટરોનું વેતન વધારીને 75 હજાર કરાયું
સરકારી તબીબોની હડતાળ સામે સરકાર ઝૂકી, MBBS ડોક્ટરોનું વેતન વધારીને 75 હજાર કરાયું

સરકારી તબીબોની હડતાળ સામે સરકાર ઝૂકી, MBBS ડોક્ટરોનું વેતન વધારીને 75 હજાર કરાયું

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં સરકરી હોસ્પિટલો અને દવાખાનાઓમાં તબીબોની હડતાળ વારંવાર પડતી હોય છે. પોતાની વિવિધ માગણીઓ માટે તબીબો સરકારનું નાક દબાવતા હોય છે. અને સરકારને ઝૂકવું પડતું હોય છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી તબીબોની હડતાળ ચાલી રહી હતી. આખરે રાજ્ય સરકાર હડતાળિયા ડોક્ટરો સામે ઝૂકી છે. રાજ્ય સરકારે ડોક્ટરોની માંગણીઓ સંદર્ભે હકારાત્મક અભિગમ દાખવ્યો છે. હવે રાજ્યના સરકારી ડોક્ટરોને 1 જૂન 2019થી 20 ટકા NPPA ચુકવાશે. તે ઉપરાંત એરીયર્સની રકમ પાંચ સરખા હપતામાં ચૂકવવામાં આવશે. જ્યારે બેઝીક અને NPPAની મહત્તમ મર્યાદા ભારત સરકાર મુજબ રૂા.2 લાખ 37 હજાર 500 રૂપિયા નિયત કરાઈ છે. તજજ્ઞ સેવા વર્ગ-1 ના કરારીય / બોન્ડેડ તજજ્ઞોને માસિક ફીકસ વેતન 84 હજારથી વધારીને હવે 95 હજાર અપાશે. તેમજ કરારીય અથવા બોન્ડેડ MBBS તબીબોને માસિક ફીકસ વેતન 63 હજારથી વધારીને 75 હજાર કરાતા ડોક્ટરોની હડતાળનો અંત આવી શકે છે.

રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારની હોસ્પિટલોમાં તબીબોના NPPAની માંગણી સંદર્ભે સરકારે 1 જૂન 2019 થી 20 ટકા NPPAની ચુકવણીનો નિર્ણય કર્યો છે. એરીયર્સની રકમ પાંચ સરખા હપતામાં ચૂકવવામાં આવશે. જેમાં પ્રથમ હપતો એપ્રિલ-2022, બીજો હપતો ઓકટોબર-2022, ત્રીજો હપતો એપ્રિલ-2023,ચોથો હપતો ઓકટોબર-2023 અને પાંચમો હપતો એપ્રિલ-2024 ના રોજ ચૂકવવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, બેઝીક અને NPPAની મહત્તમ મર્યાદા ભારત સરકાર મુજબ 2 લાખ 37 હજાર 500 રૂપિયા નિયત કરવામાં આવી છે. જેના સંદર્ભે રાજ્યના જે ઉમેદવારોએ ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી હોય તેઓની તમામ એડહોક સેવાઓ નિયમિત કરી સળંગ ગણવામાં આવશે. બાકી રહેતી એડહોક સેવાઓ નિયમિત કરવા અને સળંગ કરવા એડહોક સેલની રચના કરવામાં આવશે. રાજયના તજજ્ઞ સેવા વર્ગ-1 ના તબીબોને 8 વર્ષે ટીકુ કમિશનનો લાભ મળવાપાત્ર રહેશે.

રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજય સરકારની સેવામાં હોય તેવા MBBS ર્ડાકટરો માટે અનુસ્તાનક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે 10 ટકા સીટો અનામત રાખવાની જોગવાઇ કરવામાં આવી છે. GMERS હસ્તકના તબીબી શિક્ષકોને ન્યુ પેન્શન સ્ક્રીમ, રજા પ્રવાસ રાહત, રજાનું રોકડમાં રૂપાંતર, ટ્રાવેલ્સ એલાઉન્સ, મેડીકલ એલાઉન્સ જેવા લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. GMERS હસ્તકની મેડીકલ કોલેજો–હોસ્પિટલો ખાતે બોન્ડેડ ઉમેદવારો દ્વારા બજાવેલ સેવાને બોન્ડમુકત તરીકે માન્ય રાખવામાં આવી છે. તબીબી શિક્ષણ, તબીબી સેવા અને જાહેર આરોગ્ય પ્રભાગમાં સીધી ભરતી અને બઢતીની ઝુંબેશ હાથ ધરાઇ છે. એડહોક ધોરણે ફરજ બજાવતા ટયુટરોને 7 મા પગાર પંચનો લાભ મળવાપાત્ર રહેશે.તબીબી શિક્ષણ પ્રભાગ હેઠળના 15 ટકા સીનીયર ટયુટરોને ટીકુ કમિશન મુજબ ત્રીજા ઉચ્ચ પગાર ધોરણનો લાભ તથા 10 ટકા સીનીયર પ્રાધ્યાપકોને 7મા પગાર પંચ મુજબ હાયર એડમીનીસ્ટ્રેટીવ ગ્રેડ(HAG) નો લાભ મળવાપાત્ર રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code