Site icon Revoi.in

GPSC વર્ગ 1-2 ની પ્રાથમિક કસોટીનું પરિણામ જાહેર, પરીક્ષાની નવી તારીખોની જાહેરાત

Social Share

અમદાવાદઃ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. મુખ્ય પરીક્ષાઓ 19, 21 અને 23 જુલાઈએ લેવામાં આવશે. તો નાયબ કલેક્ટર, DYSP, નાયબ, રજિસ્ટાર સહિતની વર્ગ 1 ની જગ્યાઓ માટે મુખ્ય પરીક્ષાઓ લેવાશે. વર્ગ 2 માં સેક્શન અધિકારી, મદદનીશ રજિસ્ટ્રાર, રાજ્ય વેરા અધિકારી સહિતની પરીક્ષાઓ યોજાશે. સાથે જ ક્લાસ- 1 અને 2 ની 244 જગ્યાઓની પ્રાથમિક કસોટીના પરિણામ પણ જાહેર કરવામાં આવ્યા છે.

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા GPSC Class I & II ની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કુલ 6152 ઉમેદવારો મુખ્ય લેખિત પરીક્ષા માટે કવોલિફાઈ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આયોગ દ્વારા કુલ જગ્યાઓ જેવી કે, નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ 15, નાયબ પોલીસ અધિક્ષકની કુલ 20,  જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ 3, સહાયક રાજ્યવેરા કમિશ્નરની કુલ 42, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ 1 એમ સંયુક્ત રીતે વર્ગ-૧ ની કુલ 81 જગ્યાઓ તથા સેક્શન અધિકારી (સચિવાલય) ની 9, સેક્શન અધિકારી (વિધાનસભા) ની કુલ 1, મદદનીશ જિલ્લા રજિસ્ટ્રારની કુલ 7, રાજ્ય વેરા અધિકારીની કુલ 74, જિલ્લા નિરીક્ષક જમીન દફ્તરની કુલ 25, સરકારી શ્રમ અધિકારીની કુલ 25, સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) વિચરતીની કુલ 2 એમ સંયુક્ત રીતે વર્ગ-2 ની કુલ 143 જગ્યાઓ એમ સંકલિત કુલ ૨૨૪ જગ્યાઓ માટે 15 નવેમ્બર 2020 ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

પ્રાથમિક કસોટી ૨૧ માર્ચ, ૨૦૨૧ ના રોજ યોજવામાં આવી હતી.  તો બીજી તરફ, મુખ્ય લેખિત પરીક્ષા 19, 21 અને 23 જુલાઈના રોજ યોજવામાં આવશે. મુખ્ય લેખિત પરીક્ષામાં કુલ 6 પ્રશ્નપત્રો હશે. પ્રશ્નપત્ર-1 : ગુજરાતી;  પ્રશ્નપત્ર-૨ : અંગ્રેજી, પ્રશ્નપત્ર-૩ : નિબંધ; પ્રશ્નપત્ર-૪ : સામાન્ય અભ્યાસ-૧; પ્રશ્નપત્ર-૫ : સામાન્ય અભ્યાસ-૨ અને પ્રશ્નપત્ર-૬ : સામાન્ય અભ્યાસ-૩. અંગ્રેજી/ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જે-તે ભાષામાં, જયારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. એક જ પ્રશ્નપત્રમાં બે પ્રશ્નો જુદી-જુદી ભાષામાં લખી શકાશે.  મુખ્ય પરીક્ષાનું પરિણામ નવેમ્બર, 2021 માં જાહેર થશે. જગ્યાની સામે આશરે ત્રણ ગણા ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવશે. ઈન્ટરવ્યૂ ડિસેમ્બરમાં થશે અને આખરી પરિણામ ૩૧ ડીસેમ્બર, ૨૦૨૧ પહેલા પ્રસિદ્ધ કરવામાં આવશે.