અમદાવાદઃ ગુજરાતમાં આગામી 9 અને 16મી એપ્રિલના રોજ યોજાનારી જીપીએસસીની પરીક્ષા મોકુફ રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષાને ધ્યાનમાં રાખીને જીપીએસસીની પરીક્ષા મોકુફ રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે. જો કે, પરીક્ષા મોકુફ રાખવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર તા.9 અને 16મી એપ્રિલના રોજ જીપીએસસીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે તંત્ર દ્વારા પરીક્ષાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કોઈ અવ્યવસ્થા ના સર્જાય તે માટે જીપીએસસીની પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સરકારી ભરતીની પરીક્ષાઓમાં થતી ગેરરિતી અટકાવવા માટે પેપર ફોડનાર આરોપીને આકરી સજા અને એક કરોડના દંડની જોગવાઈ સાથે વિધાનસભામાં વિધાયલ રજુ કરાયું હતું. આ વિધાયકને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મંજુરી આપી હતી. જેથી હવે સરકારી ભરતીની પરીક્ષાનું પેપર ફોડનાર સામે નવા કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
(PHOTO-FILE)