GPSCની પરીક્ષાઓનું જૂન મહિનામાં થશે આયોજન
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે અનેક સરકારી ભરતીની પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી હતી. લગભગ દોઢ વર્ષથી ભરતી પ્રક્રિયા અટવાયેલી છે. દરમિયાન ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી જૂન મહિનામાં પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષાઓ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારીની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન દિનેશ દાસાએ જણાવ્યું હતું કે, સરકારી વિભાગોમાં જગ્યાઓ ખાલી પડી હતી એમાં ભરતી કરવા માટે GPSC એ કેલેન્ડર જાહેર કર્યું હતું અને મોટી સંખ્યામાં પરીક્ષાઓ જાહેર કરી હતી અને તેના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પૂરી કરી દેવામાં આવી હતી. જો કે, કોરોનાનું સંક્રમણ ફેલાતા સુરક્ષાના કારણોસર પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી હતી. હવે કોરોના વાયરસના કેસ ઘટતા સરકારે રાહતનો શ્વાસ લીધો છે. તેમજ ધો-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું તા. 1 જુલાઈથી આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન જીપીએસસી પણ જૂન મહિનાથી ભરતી પરીક્ષા શરૂ કરવાની આયોજન કરી રહ્યું છે. જેમાં અગાઉ ફોર્મ ભર્યા છે તે વયમર્યાદા માન્ય ગણવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોણા બે વર્ષથી ભરતી પ્રક્રિયા અટકતા કેટલાક યુવાઓમાં એ વાતની ચિંતા હતી કે ફોર્મ ભરતી વખતે પોતે વયમર્યાદામાં હતા પરંતુ પોણા બે વર્ષનો સમય વીતી જતા તેમની ઉંમર હાલમાં વધી ગઇ છે. અગાઉ જે ફોર્મ ભરાઇ ગયા છે તે ઉમેદવારની અત્યારે ઉંમર વયમર્યાદા કરતાં વધી ગઇ હશે તો તે ઉમેદવારો પણ પરીક્ષા આપી શકશે.