અમદાવાદઃ રાજ્યમાં સાયબર ક્રાઈમના ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે. ગુનેગારો માલદાર બનવા ગુનાઓનો શોર્ટકટ અપનાવી રહ્યા છે. અને લોકો આસાનીથી છેતરપિંડીનો ભોગ પણ બની રહ્યા છે. આજકાલ સસ્તી લોન આપવાના મેસેજ વોટ્સઅપ અને એસએમએસ લગભગ દરેક વ્યક્તિનો મળતા જ હોય છે. જેમાં ઘણા લોકોને પૈસાની જરૂરિયાત હોય ઈજી લોન મળતી હોવાની લાલચમાં ફસાઈ જતાં હોય છે. આવો જ એક બનાવ અમદાવાદના વેપારી સાથે બન્યો હતો, શહેરના ખાડિયા વિસ્તારમાં રહેતા અને કાલુપુર વિસ્તારમાં બંગડીની દુકાન ધરાવતા વેપારીને ગઠિયાએ માત્ર ફોન અને વોટ્સએપ પર વાતો કરી અને રૂ.1.25 લાખ પડાવી લીધા હતા. વેપારી પણ રૂ. 2.50 લાખની લોન લેવામાં રૂ. 1.25 લાખ ગુમાવતાં આખરે તેઓ હવે પોલીસ પાસે પહોંચ્યા છે અને તેઓએ આ મામલે કાલુપુર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રુદ્રાક્ષ ફ્લેટ્સમાં જીતેન્દ્રભાઈ જૈન રહે છે અને કાલુપુર વિસ્તારમાં મુકેશ ટ્રેડિંગ નામે બંગડી ની દુકાન ધરાવી અને વેપાર કરે છે. ગત જૂન મહિનામાં જીતેન્દ્રભાઈના મોબાઇલ ફોન પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને સામેવાળી વ્યક્તિ કહ્યું હતું કે હું આદિત્ય બિરલા ફાયનાન્સ કંપનીમાંથી વાત કરું છું. લોન આપવાની વાત કરી અને તેમણે રૂપિયા અઢી લાખની લોન મળશે. બે વર્ષ માટે 6 ટકા લેખે મહિનાનું વ્યાજ રહેશે એમ કહી વાત કરી હતી. સામેવાળી વ્યક્તિએ જીતેન્દ્ર ભાઈને વિશ્વાસમાં લઇ અલગ-અલગ યૂઝર ચાર્જ, સર્વિસ ચાર્જ સિક્યુરીટી પેટે એમ કહી અને બેંક ખાતામાં તેમજ ગૂગલ પે દ્વારા પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું હતું. જીતેન્દ્રભાઈ એ ગૂગલ પે અને અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે 10 જેટલા વ્યવહારો કરી અને કુલ 1.25 લાખ રૂપિયા મોકલ્યા હતા બાદમાં ફરીથી રૂપિયા 25000 મોકલવાની વાત કરી હતી. જેના માટે બે થી ત્રણ ગૂગલ પેના નંબર આપ્યો હતા. પરંતુ તે નંબરમાં પૈસા ટ્રાન્સફર થયા ન હતા. જેથી જીતેન્દ્રભાઈએ લોન નથી લેવી એમ કહીને તેમના પૈસા પરત માંગતા સામેવાળી વ્યક્તિએ ગલ્લાતલ્લા કર્યાં હતા. ત્યાર બાદ તેઓને છેતરાયા હોવાની જાણ થતા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી.