અમદાવાદઃ શિયાળાના ચાર મહિનામાં કારતક મહિનો પૂર્ણ થઈને માગશર મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. આમ શિયાળાનો સવા મહિનો વિતી ગયો હોવા છતાં હજુ ઠંડી-ગરમી મિશ્રિત વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. જોકે છેલ્લા બે-ચાર દિવસથી ઠંડીમાં ક્રમશઃ આંશિક વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં હાલ ઉત્તર-પૂર્વ તરફથી પવનો ફુંકાય રહ્યા છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં તેમજ મેદાની પ્રદેશોમાં ધીમે ધીમે ઠંડીનો પ્રકોપ વધવા જઇ રહ્યો છે. તેથી ગુજરાતમાં પણ સપ્તાહ બાદ કડકડતી ઠેડીનો લોકોને અનુભવ થશે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ત્રણ દિવસ નોર્મલ તાપમાન રહ્યા બાદ ફરી ઠંડીમાં વધારો થશે અમદાવાદમાં 15.9, વડોદરામાં 14.6, ભાવનગરમાં 16.6, અને ભુજમાં 14.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે, દમણમાં 18.6 ડિગ્રી, ડિસામાં 13.4 ડિગ્રી, દિવમાં 18 તથા દ્વારકામાં 1.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું. આમ સાગરકાંઠા વિસ્તારના શહેરોમાં લધુતમ તાપમાન ઊંચું રહ્યું હતું.
ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં તેમજ મેદાની પ્રદેશોમાં ધીમે ધીમે ઠંડીનો પ્રકોપ વધવા જઇ રહ્યો છે. આ રાજયોમાં શિયાળાની કડકડતી ઠંડીથી બચવા લોકો ગરમ વસ્ત્રો અને તાપણાં કરી સહારો મેળવી રહ્યા છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગએ આગાહી કરી છે કે આગામી દિવસોમાં ઉત્તર ભારતીય પર્વતોમાળાઓ પર બરફ પડવાની સંભાવના છે. આ ઉપરાંત આ સમયે, દક્ષિણના રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય પવનોને લીધે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે.
હવામાન વિભાગના સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ઉત્તર ભારતના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળવાની શકયતા છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં કડકડતી ઠંડી પડવાની સંભાવના છે. રાજધાની નવી દિલ્હી સહિતના વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ દેખાઇ રહ્યો છે. આવનાર દિવસોમાં દિલ્હીના તાપમાનમાં વધુ ઘટાડો નોંધાઇ શકે છે. વહેલી સવારે અને સાંજે દિલ્હીમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું હતું. તેની અસર ગુજરાત પર પણ થશે.