રાજકોટઃ સૌરાષ્ટ્ર યનિવર્સિટી ઘણા સમયથી વિવાદનો પર્યાય બની ગઈ છે.રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ મૂજબ કમિટીઓની રચના કરી દેવામાં આવી છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. નિલાંબરી દવેએ કોમન એક્ટ મામલે હજુ સુધી કમિટીઓ ન રચાતા વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વનો પદવીદાન સમારોહ છેલ્લાં 2 માસથી થઈ શક્યો નથી. જેના કારણે 150 ગોલ્ડ મેડાલિસ્ટ સહિત 30 હજાર વિદ્યાર્થીઓની પદવી અટકી પડી છે. એટલું જ નહીં યુનિવર્સિટીમાં છેલ્લાં 7 માસથી એક પણ પ્રકારની વહીવટી બેઠક ન મળતા વિદ્યાર્થીઓને ઉપયોગી બાંઘકામના રૂ.15 કરોડનાં કામો અટકી પડ્યા હોવાનું કહેવાય છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કૂલપતિ મહત્વના નિર્ણયો લઈ શકતા નથી. આ અંગે સેનેટ સભ્ય ડો.નિદત બારોટે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીઓમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડેમિક કાઉન્સિલની રચના થઈ છે, તેમાં કોઈ જગ્યાએ રાજ્ય સરકારે વિધાનસભામાં એક્ટ રજૂ કર્યો તે પ્રમાણે અમલવારી થઈ નથી. યુનિના કાર્યકારી કુલપતિ તરીકે ડો.નીલાંબરીબેન દવેએ ચાર્જ સંભાળ્યા બાદ હજુ સુધી સેનેટ, સિન્ડિકેટ, એસ્ટેટ અને ફાઇનાન્સ સહિતની એક પણ બેઠક મળી નથી. જેને લીધે રૂ.15 કરોડનાં બાંધકામના કામો અટકી પડ્યા છે. વિદ્યાર્થીઓ માટેનો પદવીદાન સમારોહ ન યોજાતા 150 ગોલ્ડ મેડાલિસ્ટ સહિત 30 હજાર વિદ્યાર્થીઓની પદવી અટકી પડી છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, જૂનાગઢની નરસિંહ મહેતા અને અમદાવાદની આંબેડકર યુનિવર્સિટીમાં કુલપતિએ પોતાને જ સભ્ય બનાવી લીધાનું સામે આવ્યું છે. કુલપતિ મહત્વના નિર્ણયો લઈ શકતા નથી.