કોલેજોમાં સ્નાતકનો અભ્યાસક્રમ ચાર વર્ષનો થશે, ચોઈસ બેઇઝ ક્રેડિટ સિસ્ટમનો અમલ કરાશે
અમદાવાદઃ નવી શિક્ષણ નીતિને અનુરૂપ ઉચ્ચ શિક્ષણમાં આમુલ પરિવર્તન આવી રહ્યા છે. શૈક્ષણિક વર્ષ 2023થી ઉચ્ચ શિક્ષણ એટલે કે કોલેજ ક્ષેત્રે શિક્ષણમાં બહુ આયામી પરિવર્તન થશે. જેમાં ઉચ્ચ શિક્ષણમાં પાયામાંથી જ ફેરફાર થશે. હવે કોલેજ કક્ષાએ ત્રણ વર્ષની બદલે ચાર વર્ષનો સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ અમલમાં આવશે અને વિષય, માધ્યમ, કોલેજ કે યુનિવર્સિટીને અધવચ્ચેથી બદલવાની વિદ્યાર્થીઓને છૂટ મળશે. આ ઉપરાંત વર્તમાન ચોઈસ બેઇઝ ક્રેડિટ સિસ્ટમમાં બદલાવ આવી રહ્યો છે તે મુજબ એક સેમેસ્ટર 90 દિવસનું રહેશે અને ત્રણ વર્ષના ડિગ્રી પ્રોગ્રામમાં ઓછામાં ઓછી 120 ક્રેડિટ અને ચાર વર્ષના ડિગ્રી પ્રોગ્રામમાં ઓછામાં ઓછી 160 ક્રેડિટ મેળવવી કોઈ પણ વિદ્યાર્થી માટે અનિવાર્ય રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે બહુ આયામી પરિવર્તન કરવામાં આવશે. કોલેજ કક્ષાએ ત્રણ વર્ષની બદલે ચાર વર્ષનો સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ અમલમાં આવશે અને વિષય, માધ્યમ, કોલેજ કે યુનિવર્સિટીને અધવચ્ચેથી બદલવાની વિદ્યાર્થીઓને છૂટ મળશે. પોર્ટેબલ ફેસિલિટીના માધ્યમથી હવે પછી 2023થી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિના પગરણ થશે, વિદ્યાર્થીને તેની અનુકૂળતા મુજબ વિષય માધ્યમ કોલેજ અને યુનિવર્સિટી બદલવાની પણ છૂટ મળશે જ્યાંથી તે અભ્યાસ છોડે છે ત્યાંથી સાત વર્ષ સુધીના સમયગાળામાં એ ગમે તે જગ્યાએથી પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરી શકશે. આ સાથે યુજીસી દ્વારા આગામી સપ્તાહમાં ચાર વર્ષના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કોલેજોમાં વોકેશનલ શિક્ષણ અને ઇન્ટરનશીપ આ ચાર વર્ષના અભ્યાસક્રમમાં ફરજિયાત બનાવવામાં આવશે. હવેથી ડિગ્રી નહીં પણ કોલેજ કક્ષાએ ગ્રેડ મળશે, જેમાં ઓછામાં ઓછો 4 થી લઈને મહત્તમ 10 સુધી ગ્રેડ મળશે. જેમાં 4 એટલે પાસ, 5 અને 6 એટલે એવરેજ, 7નો ગ્રેડ એટલે ગુડ, 8 એટલે વેરી ગુડ, 9 એટલે એક્સલેન્ટ અને 10 એટલે આઉટ સ્ટેન્ડિંગ ગણાશે. જો 4થી નીચેનો ગ્રેડ આવશે તો વિદ્યાર્થી નાપાસ ગણવામાં આવશે. વિદ્યાર્થીને 7માં અને 8માં સેમેસ્ટરમાં ઓનર્સ અને રિસર્ચનો પણ વિકલ્પ મળશે ત્રીજા વર્ષમાં જે વિદ્યાર્થીને 75 ટકા હશે તે આગળ અભ્યાસમાં રિસર્ચમાં જઈ શકશે અને 160 ક્રેડિટ લેવી પણ ફરજિયાત રહેશે ત્યારબાદ ઓનર્સના વિદ્યાર્થીઓએ એક સેમેસ્ટર સંશોધન ક્ષેત્રનું કામ કરવું પડશે. નિયમો અનુસાર વિદ્યાર્થી બે અલગ-અલગ વિશ્વવિદ્યાલયોમાંથી પણ બે ડિગ્રી કોર્સ કરી શકશે. નવી શિક્ષણનીતિમાં મલ્ટિપલ ઍન્ટ્રી અને ઍક્ઝિટ સિસ્ટમની પણ વાત કરવામાં આવી છે. એના કારણે એક કોર્સમાં ઍડ્મિશન પહેલા વરસે અને બીજા કોર્સમાં બીજા વરસે ઍડ્મિશન લઈ શકાય છે. આ નિર્ણયમાં બંને ડિગ્રી કોર્સને એક સમયે (સમાન વર્ષમાં) શરૂ કરવાની અને પૂરો કરવાનું બંધન કે ફરજ નથી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પ્રથમ વર્ષનો અભ્યાસ પૂર્ણ કરો એટલે સર્ટિફિકેટ, બીજા વર્ષનો કોર્સ પૂર્ણ કરો એટલે ડિપ્લોમા, ત્રીજા વર્ષે સ્નાતક અને ઓનર્સની ડિગ્રી મેળવવી હોય તો વિદ્યાર્થીને ચાર વર્ષ કોલેજનો અભ્યાસક્રમ ભણવો પડશે. ઓનર્સ મેળવવાનો વિકલ્પ તમામ વિદ્યાર્થીઓ માટે ખુલ્લો રહેશે. જો કે ત્રીજા વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યો હોય ત્યારે તેણે 75 ટકા ગુણ મેળવ્યા હોવા જરૂરી ગણાશે. જેમાં અગાઉ 7 સીજીપીએ રાખવામાં આવ્યાં હતા.