જમ્મુમાં ગુરુવારે સાંજે મોટો આતંકવાદી હુમલો થયો છે. જમ્મુમાં સ્ટેન્ડ પર ઉભેલી એક બસ પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો છે. ગ્રેનેડ એટેક બાદ એક મોટો વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં 33 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાના બે ઈજાગ્રસ્તો ગંભીર છે અને એકનું મોત નીપજ્યું છે. આ વિસ્ફોટ સવારે સાડા અગિયાર વાગ્યે થયો હતો. ઈજાગ્રસ્તોને જમ્મુ મેડિકલ કોલેજમાં ભરતી કરાવવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે ગ્રેનેડ એટેકની પુષ્ટિ કરી છે.
ગ્રેનેડ ફેંકાયા બાદ બસની અંદર એક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટની જાણકારી મળતા જમ્મુ-કાશ્મીર પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યો અને આખા વિસ્તારની તેમણે ઘેરાબંધી કરી હતી. જે સ્થાન પર આ વિસ્ફોટ થયો છે, ત્યાં ખાસી ભીડભાડ રહે છે. તેવામાં પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચીને લોકોને હટાવવાનું શરૂ કર્યું હતું. ગ્રેનેડ એટેકની ઘટના બાદ માત્ર બસ સ્ટેશન જ નહીં, પણ જમ્મુ શહેરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
આ વિસ્ફોટ જમ્મુ-કાશ્મીર રાજ્ય પરિવહનની બસમાં થયો છે. જે સમયે વિસ્ફોટ થયો, ત્યારે બસ જમ્મુ બસ સ્ટેશન પર ઉભી હતી. કેટલાક લોકો તે સમયે બસમાં જ હતા. બ્લાસ્ટવાળા સ્થાન પાસે એક મોટું ફળોનું બજાર છે. ત્યાં રહેલા લોકોની પોલીસકર્મીઓ દ્વારા પૂછપરછ થઈ રહી છે અને જાણકારી મેળવવાની કોશિશો હાથ ધરાઈ છે.
વિસ્ફોટની નજીકના સ્થાનો પર રહેલા કેટલાક સાક્ષીઓ પ્રમાણે, ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે બસમાં બારથી પંદર લોકો બેઠા હતા.
મહત્વપૂર્ણ છે કે 14મી ફેબ્રુઆરીએ કાશ્મીર ખીણના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદથી જ જમ્મુ-કાશ્મીરમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પુલવામા એટેક બાદ પણ ઘણાં એવા ઈનપુટ્સ આવ્યા હતા કે જેમાં વધુ એક હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. તેના કારણે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે.