અમદાવાદઃ શહેરમાં કાલે શનિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની હાઈવોલ્ટેજ મેચ રમાશે. જેને લઈને ક્રિકેટ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બન્ને ટીમના ખેલાડીઓનું આગમન થઈ ચૂક્યું છે. બીજી તરફ ખાલિસ્તાનની ધમકીના પગલે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની ગઈ છે. સ્ટેડિયમમાં ત્રિસ્તરિય સુરક્ષા ગોઠવવામાં આવી છે. ગુરૂવારે સુરક્ષા વ્યવસ્થા ચકાસવા માટે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતુ. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ તથા ગુજરાત ક્રિકેટ એસોના પ્રમુખ ધનરાજ નથવાણીએ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુરૂવારે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ, ચેતક કમાન્ડો, NSG, SOG ઉપરાંત ડૉગ સ્ક્વોડની ટીમ હાજર રહી હતી. એટલું જ નહીં, એન્ટી ડ્રોન ટીમ દ્વારા સમગ્ર સ્ટેડિયમમાં ચેકિંગ કરવામાં આવ્યું હતુ. મેચ દરમિયાન 5 હજાર જેટલા જવાનો સુરક્ષામાં તૈનાત રહેશે. મેચમાં સુરક્ષાની સમીક્ષા કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ગુરૂવારે મોડી સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. તેમની સાથે BCCIના સેક્રેટરી જય શાહ તેમજ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ ધનરાજ નથવાણી પણ હાજર રહ્યા હતા.
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાલે શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રસાકસીભર્યો મહામુકાબલો યોજાશે. આ મેચમાં બૉલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન, સાઉથ સુપર સ્ટાર રજનીકાંત, બૉલિવૂડના ફેમસ સિંગર અરીજીત સિંહ અને સચિન તેંડુલકર સહિતની સેલિબ્રિટીઓ સામેલ થઈ શકે છે. જ્યારે લાખો ક્રિકેટ ફેન્સ પણ મેચ નિહાળવા આવશે. આ ઉપરાંત 60થી વધુ પાકિસ્તાની પત્રકારો પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની મેચ કવર કરવાના અમદાવાદ આવી પહોંચ્યા છે.
પ્રેક્ષકોને સવારે 10 વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. બપોરે સાડા 12 વાગ્યાની આસપાસ મનોરંજનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રેક્ષકો માત્ર પોતાનું પર્સ, મોબાઈલ ફોન, ટોપી અને જરૂરી દવા સિવાયની કોઈ વસ્તુ પોતાની પાસે રાખી શકશે નહીં. જ્યારે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નિ:શુલ્ક પાણી અને મેડિકલની સુવિધા કરવામાં આવી છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફરતે પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.મેચ દરમિયાન ડ્રોનની મદદથી સ્ટેડિયમના દરેક એંગલ પર મોનીટરિંગ કરવામાં આવશે. જ્યારે મેદાનમાં સાદા વેશમાં પોલીસ જવાનો, સુરક્ષા જવાનો તેમજ SHE ટીમ હાજર રહેશે. આ માટે વૉર રુમ જેવું વિશેષ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. (File photo)