Site icon Revoi.in

ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયકના વેતનમાં કરાયો વધારો

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયકોના માસિક વેતનમાં વધારો કરવાની ઘણા સમયથી માગ કરવામાં આવતી હતી. આ અંગે સરકારને અવાર-નવાર રજુઆતો પણ કરી હતી. આખરે રાજ્ય સરકારે ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપક સહાયકોના વેતનમાં રૂપિયા 11824નો વધારો કરતા હવેથી દર મહિને અધ્યાપક સહાયકોને રૂપિયા 52000નું વેતન મળશે. પાંચ વર્ષની મુદતવાળા ફિક્સ માસિક વેતન મેળવતા અધ્યાપક સહાયકોને આ વેતન વધારાનો લાભ આપવામાં મળશે.

રાજ્યમાં ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપક સહાયકોના વેતનમાં રૂપિયા 11824નો વધારો કરવામાં આવ્યો છે. એટલે અધ્યાપક સહાયકોને હવે દર મહિનો 52000નું વેતન મળશે.આ વેતન વધારો ગ્રાન્ટેડ વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, કાયદા, શિક્ષણ વિદ્યાશાખાની કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને લાગુ પડશે. રાજ્યભરની ગ્રાન્ટેડ કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોની લાયકાત વધુ હોવા છતાં તેઓને પાંચ વર્ષ સુધી ફિક્સ વેતન ઓછું મળતું હતું. આથી આ અંગે રાજ્યભરની ગ્રાન્ટેડ વિનયન, વાણિજ્ય, સાયન્સ, કાયદા, શિક્ષણ વિદ્યાશાખાઓમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોએ પાંચ વર્ષની ફિક્સ પગારી નોકરી દરમિયાન વેતનમાં વધારો કરવાની માંગણી કરી હતી. જોકે ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક કરતા પણ અધ્યાપક સહાયકનો પગાર ઓછો રહેતા ગ્રાન્ટેડ કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોમાં નારાજગી ઉઠવા પામી હતી. જે અંતર્ગત રાજ્યભરની ગ્રાન્ટેડ તમામ કોલેજોના અધ્યાપક સહાયકોએ વિરોધ કરીને રાજ્ય સરકારમાં રજુઆત કરી હતી. જેને પગલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપક સહાયકોના માસિક વેતનમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગ્રાન્ટેડ કોલેજોમાં પાંચ વર્ષ સુધી ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને અગાઉ માસિક રૂપિયા 40176નું વેતન મળતું હતું. તેમાં રાજ્યના શિક્ષણ વિભાગે રૂપિયા 11824નો વધારો કરવામાં આવ્યો છે. આથી રાજ્યભરની ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપક સહાયકોને હવેથી દર મહિને રૂપિયા 52000નું વેતન આપવામાં આવશે. જોકે ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપક સહાયકોના માસિક ફિક્સ વેતનમાં કરાયેલા વધારાનો લાભ ઠરાવ પ્રસિદ્ધ થયાની તારીખથી કરવાનો શિક્ષણ વિભાગના આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.