અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળું વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે. ધોરણ 10નું પરિણામ શનિવારે જાહેર થશે. ઉપરાંત શાળાઓના પરિણામો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે શાળાઓમાં પ્રવેશ માટેની મોસમ પણ શરૂ થશે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ પ્રવેશ સુવિધા સરળ બનાવવા માટે ગુગલ લિન્ક અને ક્યુઆર કોડ બનાવ્યો છે. જેના થકી વાલીઓ ગ્રાન્ટેડ શાળાઓનું લિસ્ટ ઘેરબેઠા જ મેળવી શકે છે. અને પોતાના ઘરની નજીક અથવા પોતાને અનુકૂળ હોય એવી ગ્રાન્ટેડ શાળાનો સંપર્ક કરીને પ્રવેશ મેળવી શકે છે.
ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી છે. જેની સામે ખાનગી શાળાઓ વધી રહી છે. વાલીઓ મોંઘીદાટ ફી ભરીને પોતાના બાળકનો ખાનગી શાળામાં પ્રવેશ મળે તે માટે આતૂર હોય છે. ઘણાબધા વાલીઓ એવા હોય છે. કે, તેમની પાસે ગ્રાન્ટેડ શાળાઓની માહિતી જ હોતી નથી. આથી અમદાવાદ શહેરના DEOએ નવતર પ્રયોગ કર્યો છે. જેમાં ગૂગલ લિંક અને ક્યુઆર કોડ દ્વારા વાલી કે વિદ્યાર્થીઓ પોતાના ઘરની નજીક કે અન્ય જગ્યાની ગ્રાન્ટેડ શાળાઓ જોઈ શકશે તથા તેમાં ધોરણ 9થી 12માં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તો પ્રવેશ પણ મેળવી શકશે. જો કોઈ ગ્રાન્ટેડ સ્કૂલ બિનજરૂરી કારણસર પ્રવેશ આપવામાં ઇનકાર કરે તો DEO કચેરી દ્વારા પ્રવેશ મેળવવામાં મદદ કરવામાં આવશે.
અમદાવાદ શહેર DEO કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ગ્રાન્ટેડ શાળાઓમાં માત્ર નજીવા દરે અથવા તો નહિવત ફીના ધોરણે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવે છે. જે અંગે હજુ પણ અનેક વાલીઓ અજાણ છે. વાલીઓમાં ગ્રાન્ટેડ સ્કૂલ અંગે જાગૃતતા આવે અને મોંઘી ફી ના ભરીને પોતાના બાળકને ગ્રાન્ટેડ સ્કૂલમાં શિક્ષણ આપી શકે તે માટે અમદાવાદ શહેર DEO દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. DEO દ્વારા એક લિંક તૈયાર કરવામાં આવી છે, તેના પર ક્લિક કરતા વાલી કે વિદ્યાર્થીઓને અમદાવાદની તમામ ગ્રાન્ટેડ સ્કૂલોનું લિસ્ટ મળશે. આ ઉપરાંત ક્યુઆર કોડ પણ રાખવામાં આવ્યો છે, જે સ્કેન કરીને સ્કૂલોના લિસ્ટ મેળવી શકાશે ગ્રાન્ટેડ સ્કૂલોના લિસ્ટ ઉપરાંત સ્કૂલનું એડ્રેસ, ગૂગલ મેપનું લોકેશન, આચાર્યનું નામ અને નંબર સહિતની તમામ વિગતો વાલીઓને એક ક્લિકથી મળી રહેશે. વિદ્યાર્થીઓ તમામ સ્કૂલોમાં એડમિશન મેળવવા ઈચ્છે તો મેળવી શકશે. સ્કૂલ દ્વારા એડમિશન ન મળે તો DEO કચેરીના સારથી હેલ્પલાઇન 9909922648 નંબર પર મેસેજ કરીને મદદ મેળવી શકશે. DEO કચેરી દ્વારા એડમિશન કરવામાં મદદ કરવામાં આવશે. અમદાવાદમાં 312 ગ્રાન્ટેડ સ્કૂલ છે, જેમાં 1150થી વધુ વર્ગ છે.