અમદાવાદઃ રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, કર્મચારીઓ, અને શિક્ષકો છેલ્લા કેટલાક મહિનાથી પડતર પ્રશ્નો અંગે લડત ચલાવી રહ્યા છે. જેમાં રાજ્ય સરકારે પરિણામને આધારે ગ્રાન્ટ કાપવાનો નિર્ણય પાછો ખેંચવા સહિતના પ્રશ્નો ઉકેલી દીધા છે. પરંતુ કાયમી ભરતી, સાતમા પગાર પંચના લાભ, વિદ્યાર્થીઓની સંખ્યામાં મર્યાદા, બદલી સહિતના અનેક પ્રશ્નોનું હજુ નિરાકરણ આવ્યું નથી. આથી રાજ્યભરના ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો. શિક્ષકો અને આચાર્યો આગામી તા. 11મી સપ્ટેમ્બરને સોમવારથી શાળા છૂટવાના સમયે 15 મિનિટ કાર્ડ તથા બેનર સાથે થાળી વગાડી વિરોધ કરવામાં આવશે.
રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકો, કર્મચારીઓ અને સંચાલકોના અનેક પડતર પ્રશ્નોનું વર્ષોથી નિરાકરણ કરાતુ નથી. તેથી ગ્રાન્ટેડ શાળાના સંચાલકો, શિક્ષકોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. જેમાં લડતના 7 તબક્કા પૂર્ણ થતાં સરકાર દ્વારા પરિણામ આધારની ગ્રાન્ટ નીતિ રદ કરવામાં આવી છે. જોકે હજુ માંગણી પૂરી ન થતાં આગામી દિવસોમાં સ્કૂલ પૂરી થયા બાદ પ્લે કાર્ડ અને બેનર સાથે થાળી વગાડવામાં આવશે.
રાજ્યભરમાં ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો, આચાર્ય અને સંચાલકોની તાજેતરમાં બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ તમામે સાથે મળીને આવેદન પત્ર આપી, પત્ર લખીને, કાળા કપડાં પહેરી, કાળી પટ્ટી બાંધી, રામધૂન કરીને વિરોધ કર્યો હતો.અલગ અલગ આંદોલનના 7 તબક્કા પૂર્ણ થતાં સરકારને અસર થઈ હતી. જેના પગલે સરકાર દ્વારા પરિણામ આધારે ગ્રાન્ટ નીતિ રદ કરી હતી અને તમામ સ્કૂલોને પૂરી ગ્રાન્ટ આપવા નિણર્ય કર્યો હતો. જોકે હજુ પણ શિક્ષકો, કર્મચારીઓ અને સંચાલકોના અનેક પ્રશ્ન છે. જેમકે કાયમી ભરતી, સાતમા પગાર પંચના લાભ, વિદ્યાર્થીઓની સંખ્યામાં મર્યાદા, બદલી સહિતના અનેક પ્રશ્નો છે, જેનું નિરાકરણ હજુ આવ્યું નથી. જેથી આગામી સમયમાં પણ શિક્ષકો દ્વારા આંદોલન ચાલુ રહેશે. આજે રાજ્યભરના શિક્ષકોની જિલ્લા તથા શહેરી કક્ષાએ બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી 11 સપ્ટેમ્બરે સ્કૂલ છૂટવાના સમયે 15 મિનિટ પ્લે કાર્ડ તથા બેનર સાથે થાળી વગાડી વિરોધ કરવામાં આવશે. આ ઉપરાંત 23મી સપ્ટેમ્બરને શનિવારે રાજ્યના તમામ સંચાલકો, આચાર્ય, શિક્ષકો તથા કર્મચારીઓ હાજર રહીને સફેદ કપડાં પહેરી ટીકા ટિપ્પણી કર્યા વિના એક કિલોમીટર સુધી સાંજે 4 વાગે મૌન રેલી યોજવામાં આવશે. જોકે અગાઉ મૌન ધરણાં કરવામાં આવ્યા હતા તે સમયે પોલીસે અટકાયત કરી હતી.(File photo)