ગાંધીનગરઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓની આર્થિક હાલત કફોડી બનતી જાય છે. છેલ્લા બે વર્ષમાં અનેક ગ્રાન્ટડ શાળાઓને તાળા લાગી ગયા છે. અપુરતી ગ્રાન્ટને લીધે શાળા નિભાવ ખર્ચને પહોચી વળાતું નથી એવું સંચાલકો કહી રહ્યા છે. જ્યારે બીજી બાજુ ખાનગી શાળાઓને વધુ મંજુરી અપાતા ગ્રાન્ટેડ શાળાઓના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો હોવાનું શાળાના સંચાલકો કહી રહ્યા છે. આથી બે વર્ષ સુધી ખાનગી શાળાઓને મંજુરી ન આપવાની માગણી કરવામાં આવી છે.
શાળા સંચાલક મંડળના જણાવ્યા મુજબ રાજ્યના શિક્ષમ વિભાગના દર વર્ષે અનેક ખાનગી સ્કૂલો શરૂ કરવા અરજીઓ કરતા હોય છે. વધુ ખાનગી શાળાઓને મંજુરી આપવાને લીધે ગ્રાન્ટેડ સ્કૂલોને તાળા વાગી રહ્યા છે. તેથી શાળા સંચાલકો દ્વારા 2 વર્ષ સુધી નવી ખાનગી સ્કૂલોને મંજૂરી ના આપવા માગણી કરવામાં આવી છે. જેથી ગ્રાન્ટેડ સ્કૂલોને જીવનદાન મળી શકે. જુલાઈ સુધીમાં સ્કૂલો શરૂ કરવા અરજી કરવામાં આવે છે. તે પહેલાં નિર્ણય કરવા સંચાલક મંડળે માંગણી કરી છે.
રાજ્ય શાળા સંચાલક મંડળે શિક્ષણમંત્રીને પત્ર લખીને વધુમાં જણાવ્યું છે કે, જુલાઈ મહિનામાં નવી ખાનગી સ્કૂલો શરૂ કરવા અરજી મંગાવવામાં આવે છે. જેથી અનેક ખાનગી સ્કૂલો શરૂ કરવા અરજીઓ આવશે બીજી તરફ ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઈ રહી છે અને નવી ગ્રાન્ટેડ સ્કૂલ શરૂ કરવા અરજીઓ આવતી નથી. જેથી આગામી 2 વર્ષ સુધી ખાનગી સ્કૂલો શરૂ કરવા મંજૂરી આપવામાં ના આવે તો ગ્રાન્ટેડ સ્કૂલોને જીવનદાન મળી શકશે. રાજ્યમાં અત્યારે ખાનગી સ્કૂલો વધતા ગ્રાન્ટેડ સ્કૂલોના અસ્તિત્વ સામે સવાલ ઉભા થયા છે. કેટલીક નીતિઓના કારણે ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઈ રહી છે. રાજ્યમાં 1994 બાદથી ખાનગી સ્કૂલો શરૂ કરવા મંજૂરી આપવાની શરૂઆત કરી હતી ત્યારબાદ ગ્રાન્ટેડ સ્કૂલોને મંજૂરી આપવાનું રાજ્ય સરકારે ધીમે ધીમે બંધ કર્યું છે જેના કારણે નવી ગ્રાન્ટેડ સ્કૂલોને આજના સમયમાં મંજૂરી મળતી નથી. ખાનગી સ્કૂલો વર્ગ વધારો માંગણી કરે તો વર્ગ વધારો આપવો જોઈએ.