ગ્રાન્ટેડ શાળાઓમાં હવે પરિણામને આધારે ગ્રાન્ટ નહીં કપાય, હવે શાળાઓને સોએ સો ટકા ગ્રાન્ટ મળશે
અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, શિક્ષકો અને કર્માચારીઓ વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. જેમાં ધેરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષામાં ગ્રાન્ટેડ શાળાનું ઓછુ પરિમાણ આવે તો શાળાની ગ્રાન્ટ કાપી લેવામાં આવતી હતી. કોરોના કાળને લીધે તો ધણીબધી ગ્રાન્ટેડ શાળાઓના ઓછા પરિણામને લીધે શાળાની ગ્રાન્ટો કાપી લેવામાં આવી હતી, જેના લીધે શાળાઓનો નિભાવ ખર્ચ પણ કાઢી શકાતો નહતો, આથી રાજ્ય સરકારે હવેથી ગ્રાન્ટેડ શાળાઓની ગ્રાન્ટ નહીં કાપીને સોએ સો ટકા ગ્રાન્ટ આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓ સાથે સરકારની ભેદભાવભરી નીતિ હતી. જે શાળાનું પરિણામ ઓછું આવે એને ઓછી ગ્રાન્ટ, જેનું રિઝલ્ટ ઊંચું આવે એને ઊંચી ગ્રાન્ટ. આ નીતિ સામે લાંબા સમયથી શાળા સંચાલક મંડળનો વિરોધ ચાલતો હતો, પણ નીતિમાં ફેરફાર થયો નહીં. સરકારે હવે આ નીતિમાં ફેરફાર કરીને ગ્રાન્ટેડ શાળાઓ સાથેનો ભેદભાવ દૂર કર્યો છે અને તમામ ગ્રાન્ટેડ સ્કૂલને સોએ સો ટકા ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. આના કારણે ગ્રાન્ટેડ સ્કૂલોમાં નવા પ્રાણનો સંચાર થશે. શાળાઓનું ધો.10 અને 12નું પરિણામ ઓછું આવે તો તેમને ગ્રાન્ટ ઓછી મળે છે. જ્યારે સારું પરિણામ આવે તો પૂરેપૂરી ગ્રાન્ટ મળતી હોય છે. આ ગ્રાન્ટ નીતિ સામે સંચાલકોમાં ભારે નારાજગી હતી અને એને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી.
રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા તાજેતરમાં જ શિક્ષણમંત્રી સાથે બેઠક કરી હતી. એ બાદ એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે. ગુજરાતના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે પરિણામ આધારિત ગ્રાન્ટની નીતિ રદ કરી હોવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી સ્કૂલમાં બોર્ડનું પરિણામ આવે એના આધારે ગ્રાન્ટ આપવામાં આવતી હતી. એ મુજબ જે સ્કૂલનું પરિણામ 70 ટકાથી વધુ આવે એને 100 ટકા ગ્રાન્ટ આપવામાં આવતી હતી. જે સ્કૂલનું પરિણામ 70થી 50 ટકા વચ્ચે હોય એની 25 ટકા ગ્રાન્ટ કાપવામાં આવતી હતી. 50થી 30 ટકા વચ્ચે પરિણામ હોય એ સ્કૂલની 50 ટકા ગ્રાન્ટ કાપવામાં આવતી હતી અને જે સ્કૂલનું પરિણામ 30 ટકાથી ઓછું હોય એ સ્કૂલને ગ્રાન્ટ મળતી જ નહોતી. ગ્રાન્ટ ઓછી આવવા તથા ગ્રાન્ટ ના મળવાને કારણે ગ્રાન્ટેડ સ્કૂલોની સ્થિતિ ખરાબ થઈ હતી, કારણ કે ગ્રાન્ટેડ સ્કૂલોનો મુખ્ય આધાર ગ્રાન્ટ જ છે. ગ્રાન્ટ ના આવે તો ટ્રસ્ટના પૈસે સ્કૂલ ચલાવવી પડે છે. દરેક ટ્રસ્ટ પાસે પણ અત્યારે સ્કૂલ ચલાવવા પૂરતા પૈસા નથી. સંચાલકો દ્વારા અવરનાવાર આ અંગે રજૂઆત કરવામાં આવી હતી છતાં સરકાર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું. 15 વર્ષથી ચાલી રહેલા પ્રશ્નનું નિરાકરણ આવતાં હવે ગ્રાન્ટેડ સ્કૂલોને ઓક્સિજન મળે એવી સ્થિતિ થઈ છે. આ અંગે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે સરકારનો નિર્ણય અવકારદાયક છે, જોકે હજુ અનેક પડતર પ્રશ્નો બાકી છે, જે અંગે સરકાર દ્વારા આગામી દિવસોમાં ચર્ચા કરીને નિર્ણય કરવામાં આવશે.