બનાસકાંઠામાં GRD ભરતીઃ મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડતા ધક્કા મુકીના દ્રશ્યો સર્જાયા
અમદાવાદઃ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના પાલનપુર ખાતે જીઆરડીની ભરતી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. 600 જગ્યાઓ માટે 6 હજારથી વધારેની સંખ્યામાં નોકરી વાચ્છુકો ઉમટી પડ્યાં હતા. જેથી ધક્કા-મુક્કીના દ્રશ્યો સર્જાયાં હતા. એટલું જ નહીં કોરોનાની ગાઈડલાઈનનું ભંગ થતું હોવાનું જોવા મળ્યું હતું. મોટી સંખ્યામાં ઉમટી પડતા સર્જાયેલી અવ્યવસ્થાને પગલે પોલીસ દ્વારા બળપ્રયોગ કરીને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યાનું ચર્ચાઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠામાં જીઆરડીની 600 જગ્યાની ભરતી પ્રક્રિયાની આજે પાલનપુરમાં શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 6 હજારથી વધારેની સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યાં હતા. જેથી અવ્યવસ્થા ઉભી થઈ હતી. તેમજ ધક્કા-મુક્કી સર્જાઈ હતી. જેના પરિણામે પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં હતા. દરમિયાન પોલીસે બળપ્રયોગ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા ઉભી કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં હતા.