વર્લ્ડ કપમાં ભારતની જીતનો શાનદાર પ્રારંભ, ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું, કોહલી, રાહુલનો ધમાકો
ચેન્નાઈઃ ભારતીય ટીમે આઈસીસી વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાને હરાવી પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. ઓસ્ટ્રેલિયાને 199 રનમાં ઓલઆઉટ કર્યાં બાદ ભારતીય ટીમે 41.2 ઓવરમાં 4 વિકેટના ભોગે લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. રોહિતની આગેવાનીવાળી ટીમ ઈંડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવી દીધું છે. ટીમ ઈંડિયાની જીતના હીરો કેએલ રાહુલ અને વિરાટ કોહલી રહ્યા હતા. કોહલીએ અડધી સદી ફટકારી હતી. આ બંનેએ ચોથા નંબર પર આવીને શાનદાર પાર્ટનરશિપ કરી હતી.જેના કારણે ભારત આ પ્રથમ મેચ જીતી શક્યું હતું.
ભારતે 2 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાનદાર અડધી સદી ફટકારી હતી. કોહલી 85 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે રાહુલ 97 રન બનાવી અણનમ રહ્યો હતો. ભારતીય ટીમે 2 રન પર પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં હતી. ત્યારબાદ રાહુલ અને કોહલીએ ઈનિંગ સંભાળી હતી. આ વચ્ચે વિરાટ કોહલી 12 રન પર હતો ત્યારે તેને જીવનદાન મળ્યું હતું. હેઝલવુડની ઓવરમાં મિચેલ માર્શે કોહલીનો કેચ છોડ્યો હતો. ભારતે પ્રથમ પાવરપ્લેમાં માત્ર 27 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયા વન-ડે વર્લ્ડ કપ 2023ની પહેલી મેચ આજે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. ભારતને 200 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટાર્ગેટ ચેઝ કરવામાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ઈશાન કિશન, રોહિત શર્મા અને શ્રેયસ અય્યર ઝીરોમાં આઉટ થયા હતા. ઈશાનને સ્ટાર્કે આઉટ કર્યો હતો. તો હેઝલવુડે એક જ ઓવરમાં રોહિત અને અય્યરને આઉટ કર્યા હતા.
આઈસીસી વિશ્વકપ 2023માં ભારતે ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. ચેપોકમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 49.3 ઓવરમાં 199 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. ભારતને જીત માટે 200 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત તરફથી જાડેજાએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે કુલદીપને બે તથા અશ્વિનને એક સફળતા મળી હતી. ઓસ્ટ્રેલિયાનો કોઈપણ બેટર અડધી સદી પણ ફટકારી શક્યો નહીં.
ટોસ જીતીને ચેપોકમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગની ત્રીજી ઓવરમાં જસપ્રીત બુમરાહે મિચેલ માર્શને શૂન્ય રને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. માર્શ સ્લિપમાં કોહલીના હાથે કેચઆઉટ થયો હતો. પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાની શરૂઆત ધીમી રહી હતી અને ટીમે પ્રથમ પાવરપ્લેમાં માત્ર 43 રન બનાવ્યા હતા. 5 રન પર પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથે 69 રનની ભાગીદારી કરી હતી. કુલદીપ યાદવે 17મી ઓવરમાં આ પાર્ટનરશિપ તોડી હતી. ડેવિડ વોર્નર 52 બોલમાં 6 ચોગ્ગા સાથે 41 રન બનાવી કુલદીપનો શિકાર બન્યો હતો. ત્યારબાદ જાડેજાએ સ્મિથને 46 રનના સ્કોરે આઉટ કરી ભારતને મોટી સફળતા અપાવી હતી. સ્મિથને આઉટ કર્યા બાદ જાડેજાએ માર્નસ લાબુશેન (27) ને પણ કેએલ રાહુલના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. આજ ઓવરમાં જાડેજાએ એલેક્સ કેરીને આઉટ કરી ઓસ્ટ્રેલિયાને પાંચમો ઝટકો આપ્યો હતો. કુલદીપ યાદવે 36મી ઓવરમાં ગ્લેન મેક્સવેલ (15) ને બોલ્ડ કરી પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. કેમરૂન ગ્રીન 8 રન બનાવી અશ્વિનનો શિકાર બન્યો હતો.
ભારત તરફથી જાડેજા સૌથી સફળ બોલર રહ્યો હતો. જાડેજાએ 10 ઓવરમાં 2 મેડલ સાથે માત્ર 28 રન આપી 3 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવે 10 ઓવરમાં 42 રન આપીને બે તથા અશ્વિને 10 ઓવરમાં 34 રન આપી એક વિકેટ લીધી હતી. આ સિવાય બુમરાહે 10 ઓવરમાં 35 રન આપી બે સફળતા મેળવી હતી. હાર્દિક પંડ્યાને એક વિકેટ મળી હતી.