Site icon Revoi.in

ગ્રીસે UNSCમાં ભારતના કાયમી સભ્યપદ માટે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

Social Share

નવી દિલ્હીઃ ઘણા દેશો દ્વારા UNSCમાં સુધારાની હિમાયત વચ્ચે, ગ્રીસે વૈશ્વિક સંસ્થામાં ભારતના કાયમી સભ્યપદને લઈને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ભારતમાં ગ્રીકના રાજદૂત દિમિત્રિઓસ આયોનોઉએ કહ્યું છે કે, ગ્રીસ પહેલી જ ક્ષણથી UNSCમાં ભારતની કાયમી બેઠકનું સમર્થન કરી રહ્યું છે. અમે આગળ પણ તેને સમર્થન આપીશું. સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ સુરક્ષા પરિષદનો ભાગ બને તે ખુબ જરુરી છે. આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરીમાં ભારત એક પરિબળ છે. આ દરમિયાન ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષમાં તેમણે હમાસની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેનું વિઘટન જરૂરી છે. 

દિમિત્રિઓસ આયોનોઉએ કહ્યું કે બંને દેશો વચ્ચે લાંબા સમયથી સારા સંબંધો છે. પીએમ મોદીની તાજેતરની ગ્રીસ મુલાકાતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, પીએમ મોદીની ગ્રીસ મુલાકાત બાદ ભારત અને ગ્રીસ વચ્ચેના સંબંધો ખૂબ જ આશાસ્પદ તબક્કે પહોંચી ગયા છે. આગામી વર્ષોમાં વધુ વિકાસ થશે. ભારતમાં ગ્રીકના રાજદૂત દિમિત્રિઓસ આયોનોએ ગ્રીસ અને ભારત વચ્ચેના દરિયાઈ સહયોગને લઈ જણાવ્યું કે, ગ્રીસ પાસે વિશ્વનો સૌથી મોટો નૌકા કાફલો છે. હાલમાં, જો કોઈ ભારતીય ઉત્પાદન વિશ્વમાં ક્યાંય પણ તેના અંતિમ ઉપભોક્તા સુધી પહોંચાડવામાં આવે છે, તો ઓછામાં ઓછા પાંચમાંથી એક વખત તે ગ્રીક જહાજ દ્વારા વહન કરવામાં આવે છે. વિદેશથી ભારતમાં આવતા માલસામાનનું પણ ઓછામાં ઓછું 1.5 ગણું ગ્રીક કાફલા દ્વારા પરિવહન થયું હોવું જોઈએ. આ રીતે આપણે કહી શકીએ કે ગ્રીસે, આર્થિક કોરિડોરના નિર્માણ અને તેના પૂર્ણ થવાની રાહ જોયા વિના પણ, ભારતીય અર્થતંત્રના વિકાસ અને વૃદ્ધિમાં ફાળો આપ્યો. અમે આવનારા વર્ષોમાં પણ આમ કરવાનું ચાલુ રાખીશું. 

ગ્રીક રાજદૂત દિમિત્રિઓસ આયોનોઉએ ઇઝરાયેલ-હમાસ વચ્ચેના યુધ્ધને લઈને જણાવ્યું હતું કે, ગ્રીસ હમાસ અને તેના દ્વારા કરવામાં આવેલા અપરાધોની સંપૂર્ણ નિંદા કરે છે. ગ્રીસ હમાસને આતંકવાદી સંગઠન માને છે. આતંકવાદી સંગઠન હમાસના વિઘટન વિના મધ્ય પૂર્વમાં સંઘર્ષ ઉકેલી શકાય તેમ નથી. આ સંઘર્ષનો ઉકેલ રાજકીય સંવાદ દ્વારા શોધવો જોઈએ અને અમલમાં મૂકવો જોઈએ.